પૃષ્ઠ:Hriday Vibhuti.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮: હૃદયવિભૂતિ
 

આગેવાની લેવામાં તેમના બે ધ્યેય હતા : પ્રતિષ્ઠા અને પત્ની. ભાષણોમાં સ્ત્રીઓ પણ આવતી એટલે તેમને એ સભાપ્રયોગ સારો લાગ્યો. સાથે સાથે પ્રતિષ્ઠા પણ જળવાય એની તેમણે ખાસ કાળજી રાખી હતી. ચાના દુકાનદારે તેમને બોલાવી મફત ચા પાવા માંડી. એટલે તેમનો ચા વિરુદ્ધનો પ્રચાર અટકી ગયો. ગામમાંથી કાઢી મૂકવાની લોકોએ ધમકી આપી એટલે અંત્યજોની તરફેણ કરવાનું તેમણે છોડી દીધું, એટલું જ નહિ આર્યસમાજિસ્ટો અને ગાંધીજી બન્ને દેશના દુશ્મન છે એમ પણ થોડા દિવસમાં કહેવા માંડ્યું. હોટલવાળાએ તેમના સ્ત્રીશોખને પારખી સ્ત્રી મેળવી આપવાની જ્યારે કબૂલત આપી, ત્યારે તે હોટેલવાળાના ખાસ દોસ્ત બની ગયા અને ચા ઉપરાંત બીડી પણ ખુલ્લેખુલ્લી પીવા લાગ્યા – જોકે ખાનગીમાં તેમને બીડીની જરાય છોછ ન હતી.

વીસેક વર્ષે ગામમાં આવેલા માસ્તર ચાળીસ બેંતાળી વર્ષ સુધી પત્ની વગરના રહે એ વાત એમને ખૂંચતી હતી. આમ તો તેઓ નૈષ્ઠિક બ્રહ્મચર્યનો બોધ કરતા હતા, પરંતુ દૂરનાં સગાંવહાલાંની તાકીદને લીધે. વધતી જતી ઉમ્મરમાં કાળજી રહે એ કારણે, વંશ ચાલુ રહે એ અર્થે અને કોઈ પતિ માટે ઝૂરતી કન્યાનું ઠેકાણું પાડવાના ઉદાર આશયથી તેમણે પાંચેક વર્ષથી કન્યાની શોધ કરવા માંડી હતી. ધીમે ધીમે એ શોધ કોઈ વિજ્ઞાનના પ્રયોગને શોભે એવી તીવ્ર બની ગઈ. પત્ની વગર ધર્મ સાધી ન શકાય એવો આધાર તેમણે વેદમાંથી શોધી કાઢ્યો; વળી સંતાન વગર મુક્તિ ન મળે એવા શ્લોક તેમણે પુરાણોમાંથી ભેગા કર્યા; મોટી ઉમ્મરે લગ્ન થઈ શકે છે એવો યુરોપીય સંસ્કૃતિનો તેમણે ટેકો શોધ્યો, અને વ્યવહાર તો તેમને અનુમોદન આપી જ રહ્યો હતો, એટલે ભેગા કરેલા ત્રણ હજાર અને વ્યાજે ઉપાડેલા બે હજાર ખર્ચીને પણ પરણવું એવો એમનો નિશ્ચય જગજાહેર બની ગયો. હોટલવાળો મિત્ર તેમને બહુ જ સહાયભૂત બન્યો. માત્ર તેણે શોધેલી કન્યા વિધવા હતી એટલે તેમના બ્રાહ્મણપણાને તે વાત સહજ ખૂંચી. પરંતુ ઈશ્વર કોઈનું અડ્યું રાખતો નથી. આર્યસમાજી સંસ્કારોએ ઝટ તેમને સુધારા તરફ દોર્યા અને સુધારો તો વિધવાવિવાહને સંપૂર્ણ ટેકો આપે જ.

એટલે માસ્તરનાં લગ્ન લગભગ નક્કી થઈ ગયાં. પરંતુ વચમાં હોટલવાળાના વ્યાપારને સહાય આપવા આવેલા શહેરમાં વસતા એક શેઠે માસ્તરની હકીકત જાણી એટલે હોટલવાળાને બાજુએ રાખી તેમણે પાંચ હજારને બદલે ત્રણ હજાર રોકડા લેઈને એક કન્યા લાવી આપવાનું બીડું ઝડપ્યું - અલબત્ત બે હજાર બીજા કોઈને ત્યાંથી માસ્તર ઉપાડે તેને બદલે