પૃષ્ઠ:Hriday Vibhuti.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઘેમરપટેલને ઘેર લગ્ન થઈ ગયાં. તેજલ પરણી અને તે કાંઈ પણ ઝઘડા વગર. તેનું મુખ છેલ્લા થોડા દિવસોથી ઊતરેલું જ રહેતું. પરંતુ લગ્નને દિવસે તેણે મુખ ઉપર આનંદ ઉપસાવ્યો. મંગી ડાકણ ખરી પણ ધારી એટલી ખરાબ ન નીકળી એમ મુખી, તેમનાં સગાંવહાલાં અને ગામલોકને પણ લાગ્યું. લગ્ન વખતે ગામમાં અનેક અજાણ્યા માણસો આવે - વરપક્ષ તરફથી કે કન્યાપક્ષ તરફથી અને ઘેમરમુખીની પ્રતિષ્ઠા એટલી ભારે હતી કે તાલુકાના શેઠશાહુકાર અને અમલદારો પણ દુઃખ વેઠી લગ્નપ્રસંગે હાજરી આપવા આવ્યા હતા. લગ્ન થતી વખતે તેજલની નજર દૂર બેઠેલા એક યુવાન ઉપર પડી.

'માનસીંગ આવ્યો ખરો !' તેજલના મનમાં વિચાર આવ્યો. પરંતુ એ જ વિચાર સાથે તેના મુખ ઉપર ભયંકર ગ્લાનિ છવાઈ રહી. કોની સાથે બ્રાહ્મણ તેનો હસ્તમેળાપ કરાવતો હતો ? મોતીજીની જગાએ માનસીંગ હોવો જોઈએ ને !

પરંતુ તેણે જરા વાર રહી સંતોષ માન્યો. લગ્ન તો માત્ર નામનું જ, આટલો પ્રસંગ ટાળી પિતાની આંખમાં ધૂળ નાખવા પૂરતું જ હતું. લગ્ન થઈ ગયા પછી ઘેમરમુખીની ચૉકી ઓછી થવાની અને તેને માનસીંગ સાથે જતા રહેવાની સગવડ મંગી જરૂર કરવાની. ભલે ને આખો મેવાસ આકળો થાય? મોતીજીને છેવટે ફારગતી કરી અપાશે – જોકે એનો બાપ અને એની મા એ પ્રસંગ પછી તેનું મુખ તો નહિ જ જુએ ! તેયે કોણે કહ્યું? વખત જતાં બધાં સમજી જશે.

લગ્ન થઈ રહ્યા પછી એકબે દિવસ જાન રહી. ઘેમરમુખીએ ખૂબ ખર્ચ કર્યો. પરંતુ બીજા જ દિવસથી ઝીણી ઝીણી વાત સંભળાવા લાગી કે તેજલને સાસરે વિદાય કરવાની નથી. તખતાજીનાં ઠકરાણી ખૂબ ગુસ્સે થયાં; અને તેને લીધે તખતાજી પણ ગુસ્સે થયા. મોતીજીએ ગુસ્સો કરવો કે નહિ તેની સમજ પડી નહિ – જોકે વધારેમાં વધારે ગુસ્સે થવાનું કારણ મોતીજીને હતું. તખતાજીએ ઘેમરમુખીને બાજુએ બોલાવી પૂછ્યું : 'મુખી ! આ શી વાત ચાલે છે ? તેજલને મોકલવાના નથી શું ?'

‘એની મા ના પાડે છે. નોરતાંની નોમે કુશ્પી માતા અને વાઘણી માતાને નાળિયેરચુંદડી ચડાવી દશરાનો મેળો જોઈ છોકરી આવશે.'