પૃષ્ઠ:Hriday Vibhuti.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરિપાકઃ ૧૮૧
 


‘મુખી ! એ તો ન બને. મોતીજીની મા રૂસણું લેશે.'

‘હું કહું તે માનો ને ઠાકોર ! આટલું જો ન કર્યું હોત તો તેજલનાં લગન પણ ન થાત. અને મોતીજીની માને કહીએ કે એવાં રૂસણાં ન ચાલે ! એ રૂસણાંની ટેવમાં તો એક દીકરો ખોયો !' ઘેમરમુખીએ જૂની વાત ઉકેલી બન્નેનાં મોં બંધ કર્યા.

ત્રીજે દિવસે જાનને રાખવાનો આગ્રહ કરતા ઘેમરમુખી અને આગ્રહ કરાવતા તખતાજી સમક્ષ એક માઠા ખબર આવ્યા.

‘ઠાકોર ! કાલ રાતે આગ લાગી અને તેમાં તમારું ઘર, ડહેલી અને ભેંસો બળી ગયા.' એક ખેપિયાએ આવી સમાચાર આપ્યા.

‘શું કહે છે તું ? એ કોનું કામ ? મારા ઘરને આગ ?' તખતાજી ભભૂક્યા.

‘અને હજી તો તે પૂરી હોલવાઈ પણ નથી.' ખેપિયાએ કહ્યું.

આ સમાચાર પછી તખતાજીથી જાન લેઈ ત્યાં રહેવાય એમ ન હતું; તેજલને લેઈ જવાનો આગ્રહ પણ થાય એમ રહ્યું નહિ. મુખી જેવાની દીકરીને લઈ જઈને બેસાડવી ક્યાં ? ઘેમરમુખીએ મોતીજીને સંઝેરમાં રહેવા વિનવણી કરી, પરંતુ પોતાનો દીકરો ઘરજમાઈ બનવાની શરૂઆત કરે એ તખતાજીને રુચ્યું નહિ – જોકે મોતીજીને તો એ સૂચના અનુકૂળ આવી. પરંતુ બાપની બેવકૂફી પોષવાનો પુત્રનો ધર્મ હજી આ જંગલી અસંસ્કૃત પ્રજામાં જળવાઈ રહ્યો હતો, એટલે મોતીજીને પોતાની જાન સાથે જ પાછા ફરવું પડ્યું.

ગામ થાળે પડ્યું. છતાં જમાઈની મિલકત આગમાં બળી જાય એ ઘેમરમુખીને તો ન જ ગોઠે, ગામમાં અને સીમમાં રખડતી મંગીને એક દિવસ ઘેમરમુખીએ પૂછ્યું : ‘મંગી ! તારી નજર છેક તખતાજીના ઘર સુધી પહોંચી, શું ?'

‘મારી નજર તો કોણ જાણે ! પણ પેલા હરિસીંગની ચેહમાંથી તણખો ઊડ્યો હશે.'

'કયો હરિસીંગ ?'

‘હતો એક તખતાજીનો ભત્રીજો.' કહી મંગી ચાલી ગઈ. એને સંઝેર ગામમાં હવે કોઈ હેરાન કરતું નહિ. ડાકણ બનીને જાદુઈ શક્તિ પ્રાપ્ત કરી છે, એવી માન્યતા આખા ગામમાં અને ગામ બહાર પણ ફેલાઈ હતી. સહુને એની બીક લાગવા માંડી, અને તેની નજર ન પડે એની સહુએ કાળજી પણ રાખવા માંડી. ઘેમરમુખીની દીકરીને જોતજોતામાં લગનની હા પડાવનાર