પૃષ્ઠ:Hriday Vibhuti.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨ઃ હૃદયવિભૂતિ
 

મંગીને મારવા ઝૂડવાની બિલકુલ મનાઈ હતી. મારવા ઝૂડવાથી તે મરતી પણ ન હતી એવી ખાતરી લોકોની થઈ ગઈ. ને જ્યાં સુધી ડાકણનો જીવ ન જાય ત્યાં સુધી તેની અનિષ્ટ કરવાની શક્તિ કાયમ જ રહેતી. મરતાં મરતાં પણ એકાદ બોલ એ બોલી જાય તો વજ્રલેપ સરખો ચોંટી મારનારની સાત પેઢી સુધી પહોંચે એવી ભીતિથી હવે ગામનું કોઈ માણસ મંગીને હેરાન કરતું નહિ. બને ત્યાં સુધી મંગીની નજરે ન પડાય તો સારું એમ સહુ માનતા હતા; અને કદી કદી બાળક છોકરાંને મંગી રમાડવા પ્રયત્ન કરતી ત્યારે બાળકના ભાવિ માટે ચિંતા કરી માબાપ બહુ જ ઝડપથી બાળકોને તેની પાસેથી ખસેડી લેતાં.

‘મુખી ! મને ગામમાં કોઈ કામ નથી આપતું.' એક દિવસ મંગીએ ફરિયાદ કરી.

‘તારે કામ શું કરવા કરવું પડે ?'

‘મારે ખાવું તો ખરું ને ! મને ભૂખતરસ લાગે છે.' મંગીએ કહ્યું.

‘ભૂખ લાગે એટલે મારે ત્યાં ચાલી આવજે.'

‘તેજલના હાથે અપાવો તો આવું.' મંગીએ હસીને કહ્યું. તેનું મુખ, તેનું હાસ્ય, તેનો પહેરવેશ અને તેનો દેખાવ બિહામણાં બનતાં જતાં હતાં. મંગી એક વાર ગામની સુંદરી ગણાતી; અનેક આંખોનું તે આકર્ષણ બની હતી; હવે તેના મુખ સામે જોવાને કોઈ ભાગ્યે જ તૈયાર હતું. છતાં ઘેમરમુખીએ કહ્યું : 'અરે તેજલ આપશે ! પછી કાંઈ ? તું બધે રખડવાનું છોડી દે.'

છતાં તે રખડતી. ભૂખી થાય ત્યારે તે ઘેમરમુખીને ત્યાં આવી જમતી અગર બીજે કોઈ સ્થળે ખાવાનું માગતી. એને ના કહેવાની પણ કોઈની હિંમત રહી ન હતી, જોકે તેના ગયા પછી તેના નામ ઉપર ગાળોનો વરસાદ વરસતો.

તે સૂતી પણ ગમે ત્યાં. કોઈ વાર તે પોતાની કે અભાજીની ઝૂંપડીમાં જઈને સૂતી; કોઈ વાર કુશ્પી માતાના મંદિરને ઓટલે પડી રહેતી; કોઈ વાર વાઘેણી માતાને વડે પણ રાત ગાળતી. સ્થળ અને કાળ તેને માટે મર્યાદા રહિત બની ગયાં હતાં.

શરૂઆતમાં બાળકો તેની પાછળ દોડતાં અને મંગી હસતી. પરંતુ માબાપોએ બાળકોને મંગી પાછળ દોડવાની સખત બંધી કરી દીધી હતી. ઘણુંખરું મંગી બોલતી જ નહિ. એને કોઈ કાંઈ કહે નહિ ત્યાં સુધી એ ગંભીરતાપૂર્વક કે કદી હસતે મુખે બેસતી અગર રખડતી. કોઈ તેને ચીડવે