પૃષ્ઠ:Hriday Vibhuti.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરિપાકઃ ૧૮૩
 

અગર તેની ટીકા કરે ત્યારે તે ગાળો દેતી. શાપ આપતી અને ગામલોકનાં બહાર ન પડેલાં કરતૂકોને જાહેર કરતી. એની ગાળો, એના શાપ અને એના કટાક્ષ એટલાં અસરકારક હતા કે થોડા સમયમાં જ તેને છોડતાં સહુ કોઈ હિંમત હારી જતું. ઘડીમાં તે ઘેલી લાગતી અને ઘડીમાં તે સહુને સ્વીકારવી જ પડે એવી સલાહ પણ આપતી.

તે ગામ બહાર જતી ત્યારે સહુને લાગતું કે તે કાંઈ મેલા પ્રયોગો કરવા જાય છે. ગામમાં મૃત્યુ થતાં તે મંગીની અસરનું પરિણામ ગણાતું. ગામમાં કોઈ માંદું પડતું તોય સહુને મંગીની જ નજર લાગ્યાનો વહેમ આવતો. ક્વચિત્ તે એકલી બેઠી બેઠી બબડતી અગર હસતી. કોઈ કોઈ વાર ચોધાર આંસુએ તે રડતી પણ ખરી – પરંતુ રડવાનો પ્રસંગ તે જવલ્લે જ શોધતી હતી. રાત્રે તે સ્મશાનમાં દાટેલાં બાળકોનાં મડદાં ખોદી કાઢી મેલી વિદ્યાના પ્રયોગો કરતી એવી પણ વાતો ચાલતી, અને કદી કદી જૂની ઓળખીતી સ્ત્રીઓ તેને પૂછવાની હિંમત કરતી ત્યારે તે ઉગ્રતાપૂર્વક બધી જ વાતોનો સ્વીકાર કરી સહુને ચેતાવતી પણ ખરી.

આવી બાઈ માટે એક જ ઇલાજ ઘેમરમુખીએ શોધ્યો હતો : તેજલ સાસરે જાય પછી એકાદ દહાડો મંગીને વિચાર પણ કરવાની તક ન મળે એટલી ઝડપે કાપી નાખવી - અગર ચોમાસામાં ભરેલી નદીમાં હડસેલી દેવી ! કોઈને એ વાતની ખબર તો પડે જ નહિ. કારણ ઘણી વાર ઘેમરમુખીનો ડાબો હાથ પણ જાણી શકતો ન હતો કે મુખીનો જમણો હાથ શું કરી રહ્યો છે ! બન્નેની પેરવી તો તેમણે કરી જ રાખી હતી. પરંતુ તેજલને વળાવવાના દિવસ સુધી મુખીએ રાહ જોઈ, અને તેજલ તથા મંગીને બહુ જ ખુશ રાખ્યાં.

એ દિવસ આવતાં કાંઈ વાર લાગે છે ? ચોમાસું જરા કાચું પડ્યું. તેની બીજી કશી હરકત ન હતી; પાક તો આમે ગામમાં સાધારણ જ થતો હતો; ઓછો વરસાદ હોય તો મુખીનો કાર્યપ્રદેશ વધારે વિસ્તૃત બને. પણ મુખ્ય હરકત એ હતી કે મંગીને ધકેલી દેવા જેટલા પૂર કુશ્પીમાં હજી સુધી આવ્યાં નહિ. પાણી આવ્યાં ત્યારે પાછલા ભાગમાં - છેક આસોની શરૂઆતમાં.

નવરાત્રમાં કુશ્પીમાતાને ટેકરે આખા ગામની સ્ત્રીઓ અને યુવતીઓ ભેગી થતી અને ગરબા ગાતી. તેજલ પણ ત્યાં જતી અને અત્યંત આનંદપૂર્વક ગરબામાં ભાગ લેતી હતી. તેજલનું રૂપ મંગીને પણ ગમે એવું થયું હતું, એનો અવાજ પણ કોયલ જેવો ટહુકતો અને રણકતો હતો. બધા ગામને બહુ મઝા પડી. તેમાંયે ઘેમરમુખી દીકરીના લગ્નને બહાને સારી