પૃષ્ઠ:Hriday Vibhuti.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬: હૃદયવિભૂતિ
 

માન રહેશે નહિ!'

‘તું છે કોણ ?'

‘તું એક વખત ઊભો થા, પછી હું કોણ છું તે કહું !' કહી તેણે મોતીજીનો હાથ પકડી આસન ઉપરથી ઊભો કરી દીધો. ગરબામાં ભંગાણ પડ્યું. લોકો ટોળે વળવા માંડ્યા. મોતીજીની સલામતી અને સાહેબી માટે આવેલા તેના સાથીદારો પણ વિચારમાં પડ્યા. મોતીજી ખૂબ માનભંગ થયો. તેનાથી એ સ્થિતિ સહેવાઈ નહિ. ગુસ્સામાં આવી તેણે પોતાની નેતરની સોટી સામા યુવકને ફટકાવી.

'હત્ ભૂંડા ! સોટી વાપરે છે? કહે તો આપું તલવાર કે તીરકામઠું, આવી જા સામે !' યુવકે કહ્યું.

આવા પ્રસંગોમાં દ્વંદ્વયુદ્ધ સહુના નિરીક્ષણનો વિષય બની જાય છે. બે લડતા હોય તેમાં ત્રાહિતે વચ્ચે પડવું એ ભયંકર અનીતિ મનાય છે. મોતીજીએ ચારે પાસ જોયું. તેના મુખ ઉપર સહજ વિકળતા દેખાઈ. તે જાણતો હતો કે આવા પ્રસંગે સામો જવાબ આપવો જોઈએ. પરંતુ તેના મુખમાંથી વાચા ન નીકળી. 'લે આ મારી તલવાર !' કહી યુવકે તલવાર સામે ધરી. પરંતુ મોતીજીએ તે હાથમાં ન લીધી એટલે યુવકે મોતીજીના ગાલ ઉપર એક સખત તમાચો ચોડી કાઢ્યો.

'જો મારું નામ માનસીંગ. સંઝેરનો રહીશ છું.' યુવકે કહ્યું.

'અલ્યા માનિયા !... મૂરખ !... મરવાનો છે ?...' કહેતા કેટલાક માણસો આગળ ધસી આવ્યા. માનસીંગે તલવાર ખેંચી અને કહ્યું :

'આઘા રહો, નહિ તો મારે બદલે તમે બધા મરશો. ઝઘડો મારી અને મોતીસીંગની વચ્ચે છે.’

'ઘેમરમુખીને બોલાવીએ.' કોઈએ કહ્યું.

'અરે ઘેમરમુખીના પીરને બોલાવો ને... જો, મોતીજી ! તારો હાથ ઊપડતો નથી; તને જતો કરું છું. પણ તને અને તારી સાત પેઢીને યાદ રહે કે ભાઈને મારીને ભાઈની બૈરી ઊંચકી જનારના છોકરાનું નાક સલામત નથી.' કહી ખુલ્લી તલવાર વડે માનસીંગે મોતીજીના નાક ઉપર જખમ કર્યો. લોહી નીગળતો મોતીજી નીચે બેસી ગયો.

'અને એની બૈરી પણ સલામત નથી; એને બીજું જ કોઈ ઊંચકી જશે !' માનસીંગે કહ્યું.

'કોણ તેજલને હાથ અરાડે છે જોઉં !' ઘેમરપટેલનો દૂરથી અવાજ આવ્યો.