પૃષ્ઠ:Hriday Vibhuti.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરિપાક: ૧૮૭
 


'માનસીંગ ! અભાજીનો દીકરો ! કેમ તેજલ ! હિંમત છે?' માનસીંગે કહ્યું.

ઘેમરમુખી પાસે આવતા પહેલાં તો તેજલ માનસીંગને બાઝી પડી.

‘ચાલ ત્યારે, કૂદી પડ !'

ઘેમરમુખીનું ધારિયું માનસીંગને અડકે તે પહેલાં તો માનસીંગ અને તેજલ પરસ્પરને બાઝી. કુશ્પીના પૂરમાં કૂદી પડ્યાં. પૂરમાં પડતા બરોબર તાણને લીધે બન્ને જણ ખૂબ આગળ નીકળી ગયાં.

તીરકામઠું લઈ એક માણસ ઘેમરમુખીની પાસે ઊભો હતો. ટોળું નદી તરફ મુખ કરી રહ્યું. ઘણાને તો ખબર પણ ન પડી કે શું થયું ! એ ધાંધળમાં ઘેરમમુખીએ તીરકામઠું ખેંચી લઈ તેને ચડાવ્યું. તીર તરતા યુગલ ઉપર બરાબર પહોંચી ગયું. તીર ઉપર મોત બેઠું હોય તેમ લાગ્યું.

એ કોઈને વાગ્યું ખરું ? એક ન વાગે તો બીજું, અને તેની પાછળ ત્રીજું. મુખીએ ત્રણ તીર તાકીને માર્યાં.

નદીમાંથી હસવાનો અવાજ આવ્યો. કિનારા ઉપર પણ હસવાનો પડઘો સંભળાયો.

એ પડઘો હતો?

નહિ, એ તો મંગી ખડખડ હસી રહી હતી ! એ દીવાનીનું હાસ્ય - એ ડાકણનું હાસ્ય ઘેમરમુખીના હૃદયને હલાવી રહ્યું.

‘હવે તમને ખાવાની, મુખી !' કહી મંગીએ દોટ મૂકી. આશ્ચર્યચકિત ટોળું સ્તબ્ધ બની ઊભું રહ્યું.

રાત્રિના અંધકાર નદી ઉપર - ગામ ઉપર ઊતર્યા. ગામનો મેળો વીખરાઈ ગયો. ગીત, ગરબા અને ખુશાલીના પુકારોને સ્થાને સ્મશાનની શાંતિ સંઝેર ઉપર ઊતરી.

જંગલમાં ફાલુ હસતાં હતાં.

સંઝેરમાં મંગીનું હાસ્ય સંભળાતું હતું.

કુશ્પીનો ઘુઘવાટ એ બન્ને હાસ્ય કરતાં વધારે પ્રબળ હતો, પાણીનાં પૂર વધ્યે જ જતાં હતાં.