પૃષ્ઠ:Hriday Vibhuti.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.આપણા ગુનેગારો


ચોરી, ખૂન, લૂંટનાં દૃષ્ટાંતો આપણે વર્તમાનપત્રોમાં વાંચીએ છીએ. ઠગાઈ, વિશ્વાઘાત, આગ જેવા ગુનાઓનાં વર્ણનો પણ વર્તમાનપત્રોમાં મોટાં મથાળાં નીચે આવે છે. રાજદ્વારી કેદીઓ સંબંધી પણ ચર્ચા અને હકીકતો અજાણી રહેતી નથી. ખોટા દસ્તાવેજો, ખોટાં વસિયતનામાં, ખોટી સાહેદી એ પણ રસભર્યા વર્ણનોને પાત્ર બને છે. કોકેન રાખનારની ધરપકડના અહેવાલો પણ આપણે લગભગ નિત્ય વાંચીએ છીએ.

વળી કોઈ અમલદારે લાંચ લીધાની, કોઈ પોલીસના માણસે ગેરકાયદે અટકાવી રાખેલા ગૃહસ્થોની અગર ધારાસભાની ચૂંટણીઓમાં સરકારી નોકરોએ કાયદા વિરુદ્ધ લીધેલા ભાગની વાતો પણ આપણે વાંચીએ છીએ. પરીક્ષામાં ચોરી કરનાર વિદ્યાર્થીને થતી સજા, અસીલના પૈસા ખાઈ જનાર વકીલ ઉપર ચાલતા મુકદ્દમા અને બેકાળજીથી અગર જાણીજોઈને જીવલેણ દવાઓ આપનાર ડૉક્ટરોના ખાટલા પણ વચ્ચે વચ્ચે આપણા વાંચવામાં આવે છે. સ્ત્રીઓને નસાડી જવાના, બળથી, છળથી કે લોભથી થતી તેમના શિયળભંગના, સ્ત્રીઓને વેચી દેવાના અગર સ્ત્રીઓના ચારિત્ર્યની શંકામાં તેમનાં અંગછેદન કે તેમને ડામ દેવાના પ્રસંગો અજાણ્યા નથી. વર્તમાનપત્રો આવા આવા પ્રસંગોને આપણી સમક્ષ જીવંત રાખે છે. આપણને એ પ્રસંગોમાં રસ પડે છે. એ વાચન આપણને અમુક અંશે ગમે છે. ધર્મગુરુઓ વચ્ચે મિલકત અને આડંબર માટે થતા ઝગડા અને તેમનાં ધર્મવિરોધી વર્તન પણ આપણે થોડા વધતા રસથી વાંચીએ છીએ.

આ સર્વ પ્રસંગો ગુના છે, દોષ છે, અપરાધ છે એ પણ આપણે સામાન્યતઃ માની લઈએ છીએ, અને એ સર્વ દોષ શિક્ષાને પાત્ર છે એવી સામાન્ય માન્યતા પણ આપણે ધરાવીએ છીએ. બેડીમાં બંધાઈને જતા ચોરને જોઈ આપણે છેવટે મનમાં પણ ઉચ્ચારીએ છીએ : 'હરામખોરને ઠીક શિક્ષા થઈ !'