પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૦૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૮

ઈશુ ખ્રિસ્ત

તેવામાં દુકાળ પડ્યો, અને તે ભારે તંગીમાં આવી પડ્યો, તથા ભૂખે મરવા લાગ્યો.

પછી તે એ ગામના એક શેઠને ત્યાં નોકરીએ રહ્યો. તેણે એને પોતાનાં ડુક્કર ચારવા રાખ્યો. અને ડુક્કરને નીરાતા કુશકા ખાઈ તે પેટ ભરવા લાગ્યો. કારણ કે એને કાંઈ બીજું ખાવા મળતું નહિ.

પછી તે મનમાં પસ્તાવો કરવા લાગ્યો કે, 'મારા બાપને ત્યાં નોકરોને પણ રોટલા મળે છે, અને છતાં કેટલાયે વધે છે. પણ હું અહીં ભૂખે મરું છું! હું ત્યાં જાઉં અને બાપને પગે પડી માફી માંગી કહું કે, મેં તમારો ઘણો અપરાધ કર્યો છે, અને હું તમારો દીકરો કહેવડાવવા લાયક નથી રહ્યો, પણ તમારો એક નોકર કરીને મને રાખો.'

એમ વિચારી તે ઘર તરફ આવવા નીકળ્યો.

પછી બાપે દૂરથી તેને આવતો જોયો. તેવી જ તેને એના પર કરુણા આવી અને તેણે દોડતો જઈને તેને ગળે વળગાડ્યો,અ ને તેને ચુંબનો કર્યા.

અને દીકરો પગે પડી બાપની માફી માગવા લાગ્યો અને પશ્ચાતાપ કરવા લાગ્યો, અને કહેવા લાગ્યો જે, 'મેં તમારા ઘણા અપરાધ કર્યા છે અને હું તમારો દીકરો કહેવડાવા લાયક નથી.'

પણ બાપે તેના નોકરોને આજ્ઞા કરી કે, 'ઘરમાંથી સારામાં સારાં કપડાં લાવી આને પહેરાવો, અને તેની આંગળીએ વીંટી અને પગમાં જોડા પહેરાવો. અને આજે સૌને જમવાનાં નોતરાં મોકલો, અને સારામાં સારી રસોઈ કરો. કારણકે મારો મૂએલો દીકરો પાછો જીવતો થયો છે, મારું ખોવાયેલું ધન મને પાછું મળ્યું છે.'