પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૯

રૂપકો

હવે, તે વખતે તેનો મોટો દીકરો ખેતરે ગયેલો હતો. અને ઘેર પાછો આવતો હતો ત્યારે તેણે દૂરથી નાચ અને સંગીતના અવાજ સાંભળ્યા. ત્યારે તેણે એક નોકરને પૂછ્યું કે, 'આ બધી શાની ધમાલ છે?'

ત્યારે નોકરે કહ્યું કે, 'તારો ભાઈ પાછો આવ્યો છે, તેના આનંદમાં પિતાજીએ ઉજાણી કરી છે, અને સારામાં સારી રસોઈ કરાવી છે, કારણ કે તે સહીસલામત પાછો આવ્યો છે.'

પણ આ સાંભળી મોટાને માઠું લાગ્યું અને તે ઘરમાં ગયો નહિ.

ત્યારે બાપ એને સમજાવવા આવ્યો.

મોટા છોકરાએ કહ્યું, 'આજે કેટલા વર્ષથી હું તમારી સેવા કરું છું. તમારી એક પણ આજ્ઞા કદી તોડી નથી. પણ તમે કદી મારા મિત્રોનેય જમાડવા તેડ્યા નથી. પણ જેણે દુરાચારમાં બધી મિલકત વેડફી નાંખી, તે તમારો આ દીકરો આવતાં જ તમે મોટી ઉજાણી કરી છે.'

ત્યારે બાપે કહ્યું, 'દીકરા, તું તો સદાયે મારી સાથે જ રહ્યો છે. અને જે મારું છે તે બધું તારું જ છે. પણ મારે આ આનંદ મનાવો વ્યાજબી જ છે, કારણકે આ તો જે મૂઓ હતો તે પાછો જીવતો થયો છે, ખોવાયો હતો તે પાછો સાંપડ્યો છે.'

૧૪. ચાલાક કારભારી

એક શ્રીમંત માણસે એક કારભારી રાખ્યો હતો. આગળ જતાં તેને કાને વાત આવી કે તે કારભારી તેની મિલકતનો વહીવટ બરાબર કરતો નથી. આથી, તેણે તેને