પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગયા. રાજ્યની મદદ તો તેમને હતી જ. ખ્રિસ્તી ધર્મનો પ્રચાર તે સૌના જીવનનું મુખ્ય ધ્યેય હતું. પણ તેના નિમિત્ત સાધનરૂપે અનેક પ્રકારનાં માનવસેવાનાં કાર્યોની તેમણે યોજના કરી. દા.ત. દવાખાનાં, ઇસ્પિતાલ, મહારોગી (રક્તપિત્તી) સેવા, શાળા, કૉલેજ, ઉદ્યોગાલય, અછૂત પછાત વગેરે કોમોનો ઉદ્ધાર, આર્થિક સંકટનિવારણ વગેરે. આ બધી જાતનાં સેવાકાર્યોની હિંદી જનતાને જરૂર હતી જ. તે પ્રત્યે હિંદુ-મુસલમાન ધર્મોનું લક્ષ જ નહોતું. આથી, પાદરીઓના ખ્રિસ્તી ધર્મપ્રચારના પ્રયત્નો તરફ અણગમો લાગે તોયે હિંદુસ્તાનના લોકોએ તેમની સંસ્થાઓનો લાભ એકંદરે રાજીખુશીથી લીધો એમ કહેવું જોઈએ.

છતાં, પોતે માની લીધેલા સત્યનો પ્રચાર કરવાની જોરદાર પ્રવૃત્તિ અથવા પ્રકૃતિ બીજા ધર્મના લોકોને અગવડરૂપ તો થાય છે જ. ખાસ કરીને, જ્યારે સત્ય તરીકે જે આધ્યાત્મિક સિદ્ધાન્તો, માન્યતાઓ, આચારો તથા રૂઢિઓ રજૂ કરવામાં આવતાં હોય, તે બીજા ધર્મના વિચારી અને વિશેષ જ્ઞાન ધરાવનારા લોકોને બહુ મહત્ત્વનાં ન લાગતાં હોય, ઊલટું સંકુચિત પણ લાગતાં હોય, ત્યારે તે પ્રચાર વધારે કઠે છે. તેમાં જ્યારે સામ-દાનાદિક માર્ગોનો અને રાજ્યાશ્રયનો પણ ઉમેરો થાય, ત્યારે તે પ્રત્યે તે થોડો રોષ પણ થાય છે.

વળી, જ્યારે કોઈ ધર્મનો સ્વીકાર માત્ર એટલા જ સ્વરૂપનો હોય કે જે માણસ આજ સુધી રામ, કૃષ્ણ કે શિવને માનતો અને પૂજતો આવ્યો તે હવેથી ઈશુને પૂજવા લાગ્યો છે, અને આજ સુધી કોઈ હિન્દુ આચાર્યની ગાદીને માનતો