પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


તેણે ઉત્પન્ન કરેલ ગડબડ, શરૂઆતમાં ક્લેશકર હોય તોયે, આવકારદાયક જ ગણી શકાય.

ઘણાખરા સત્યશોધકો કોઈ ને કોઈ સંપ્રદાયમાંથી પસાર થયેલા હોય છે જ. સાધનકાળમાં તેમને પોતાના જ સંપ્રદાયના ઈષ્ટદેવ, તથા તેમાં માન્ય થયેલી ઉપાસના-પદ્ધતિ સર્વશ્રેષ્ઠ અને સંપૂર્ણ લાગે છે. એની એવી શ્રદ્ધાને લીધે જ તે આગળ પણ વધતો જણાય છે. પણ એમ લાગવું અને એવું ખરેખર હોવું, એ બેમાં ફરક છે. અને તે ફરક સમજવાનીયે શક્તિ સાધનાની શરૂઆતમાં હોતી નથી. પણ જ્યારે સાધના ખીલે છે અને ફળ આપવાની તૈયારીમાં આવે છે ત્યારે તેની સંપ્રદાયનિષ્ઠામાં અત્યંત ફરક પડી જાય છે. પછી તેને સાંપ્રદાયિક ઈષ્ટદેવ અને ઉપાસના શાખા-વૃક્ષ-ન્યાયે (બીજના ચંદ્રને જોવા ઝાડની ડાળીના એંધાણ જેવું) નિમિત્ત માત્ર બની જાય છે, અને બીજાને બતાવવા માટે ઝાડની ડાળીને બદલે ઘરનું છાપરું પણ તેટલું જ ઉપયોગી લાગે છે.

આમ કાચી સાધના દરમ્યાન ખ્રિસ્તી ઉપાસકને સ્વાભાવિક રીતે એમ લાગે કે, ઈશુ ખ્રિસ્ત પરમેશ્વરના એકના એક ઔરસપુત્ર હતા; તે ત્રીજે દિવસે કબરમાંથી ઊઠ્યા; અને તેમણે માનવજાતિના ઉદ્ધાર માટે ક્રૂસારોહણ કરી ભક્તોના પાપનું પ્રાયશ્ચિત કર્યું; તથા તેમને પોતાના ઉદ્ધારક તરીકે સ્વીકારવા, તેની નિશાનીરૂપે તેમના ભક્તો સાથે રોટી અને દ્રાક્ષાસવ લેવાં, તથા તેમણે અને તેમના મોટા ભક્તોએ દાખલ કરેલી પદ્ધતિએ ઉપાસના કરવી અનિવાર્ય જ છે. વળી, માણસ બીજા સર્વે નીતિધર્મોનું પાલન કરે, સમાજસેવાનાં કામો કરે,