પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૩૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


બીજો - શબ્દ ઉત્પન્ન થાય છે. અને તેને વિષેની શ્રદ્ધાનો પ્રચાર થાય છે. તેમાં

ધ્યાનથી દેખતા કોઈ આત્માને નિજમાં સ્વયં,
સાંખ્યયોગ વડે કોઈ, કોઈ તો કર્મયોગથી;
કોઈ તો ન જાણતાં એમ અન્યથી સાંભળી ભજે.
(ગીતાધ્વનિ. ૧૩, ૨૪-૨૫)

એમ જે એની શોધમાં જાતે ઊતરવાની પૂરી સાધના નથી કરી શકતા, તે તેને જાણનારાના શબ્દ પર વધારે વિશ્વાસ મૂકી તેની ભક્તિ કરે છે.

આમ કરવામાં દોષ નથી. કારણ કે એ અસત્ વસ્તુની કે કેવળ કાલ્પનિક વિષયની શ્રદ્ધા નથી. પણ ઈશ્વર જેવી કોઈક ગૂઢ શક્તિ છે એટલું જ સ્વીકારી તે તેની ભક્તિ કરી નહિ શકે એમ જ્યારે તે પોતે અથવા ઉપદેશકો માની બેસે છે, અને તેથી તે ઈશ્વરને કોઈક રીતે સ્થૂળપણે રજૂ કરવા માંડે છે અને તેની જ ભક્તિનો પંથ પકડે છે. ત્યારે દોષો નિર્માણ થાય છે. સમજપૂર્વક જોઈશું તો માલૂમ પડશે કે ધર્મને નામે જે ઝઘડાઓ થાય છે તે ખરેખર ઈશ્વરને માટે નથી હોતા; પણ તેમના દરેકે માનેલા પ્રતિનિધિ, પેગંબર વગેરેને માટે અને નામે હોય છે. જેમ લોકશાહીઓમાં એક રાજાને પદભ્રષ્ટ કરી બીજાને બેસાડવા ઝઘડા નથી થતા, પણ કોણ તેના પ્રધાન થાય તે માટે જ જુદા જુદા પક્ષો વચ્ચે ક્લેશ થાય છે, તેમ દરેકને પોતે સ્વીકારેલા ધર્માત્માને જ પરમેશ્વરના પ્રતિનિધિ કે પેગંબર તરીકે સ્વીકારાવવો હોય છે અને તેની જ આણ ચલાવવી હોય છે.