પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અનુભવ છે. આથી પહેલો વર્ગ દીર્ઘ કાળ સુધી ઈતિહાસમાં યાદ રાખવામાં આવે, તોયે તે સમગ્ર માનવજાતિનો આદરપાત્ર નથી બની શકતો. જ્યારે બીજા વર્ગના પુરુષો બધાયે મનુષ્યના આદરપાત્ર જ રહે છે. તે ધર્માત્મા કહેવાય છે.

ઈશુ, મહંમદ, ગાંધી વગેરે એ ધર્માત્માઓ પૈકી છે. એમનાં કર્મો અને વાણીમાં દોષ હોય તો તે તેમની અપૂર્ણ સમજશક્તિ કે માહિતીજ્ઞાનને લીધે થયો હોય, એમની ખરાબ નિષ્ઠા (દાનત)ને લીધે નહિ. માટે જ તેમનાં ચરિત્ર અને વાણીમાંથી સત્પ્રેરણા મળે છે. એવી સત્પ્રેરણા મેળવવા તેમનાં ચરિત્ર અને ગ્રંથોનું આદરથી મનન કરવું અને વિવેકપૂર્વક તેને અનુસરવું. નાનપણથી તેવાઓનાં ચરિત્ર અને વાણીનો વ્યાસંગ રાખવો અને તેમાંથી પ્રેરણા મેળવવી; પોતાના તથા બીજાઓના અનુભવો અને તેમના અને આપણા કાળ તથા સમાજ વચ્ચેના ભેદોને ધ્યાનમાં રાખી એમણે રજૂ કરેલા વિચારો અને દાખલ કરેલી રુઢિઓ અને પ્રણાલિકાઓનો તારતમ્ય-બુદ્ધિથી સ્વીકાર અસ્વીકાર કરવાની તૈયારી રાખવી. આ જમાનાના એવા અધિકારી પુરુષને ઓળખવા અને અનુસરવા જેટલી બુદ્ધિની તાજગી ધરાવવી. અને તેથી કોઈનેયે ઈશ્વર કે ઈશ્વરના અવતાર, પ્રતિનિધિ કે પેગંબરરૂપે પૂજવા નહિ. ઈશ્વરનાં ધ્યાન અને વિચાર તો અંદર બહાર વ્યાપી રહેલી એક ગૂઢ ચૈતન્યશક્તિના રૂપમાં જ કરવાં. સાકાર કે નિરાકારપણે કોઈ પણ મર્યાદિત સ્થાનમાં તે પૂર્ણપણે છે એવી માન્યતામાં ઈશ્વરને બાંધી મૂકવો નહિ.