પૃષ્ઠ:Ishu Khrist.djvu/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૩

પ્રવૃત્તિ (ચાલુ)

આસુરી સંપત્તિને મનુષ્યોમાં પ્રેરે પણ એને કાઢે નહિ. હું મલિન દૈવતવાળો હોઉં તો તેની સાહાય્યથી ભૂતાદિકને કાઢી શકું નહિ."

माता अने
भाईओनी अश्रद्धा

એક વાર ઈશુનો ઉપદેશ સાંભળી એક સ્ત્રી બોલી, "જેની કુખે આવો પુત્ર જન્મ્યો છે અને જેની છાતીએ ધાવ્યો છે તે માતાને ધન્ય છે." પણ જ્યારે અન્ય શ્રોતાઓ ઈશુના ઉપદેશથી આટલા આકર્ષાતા ત્યારે એનાં સગાં મા અને ભાઈઓ એને ચિત્તભ્રમ થયેલો અથવા ભૂતથી પીડાતો માનતાં. તેથી એણે પેલી સ્ત્રીને કહ્યું, "પણ જે મારાં વચન સાંભળીને પોતાના હૃદયમાં સાચવી રાખે છે, તે એથીયે (મારી માતાથીયે) વધારે ધન્ય છે."

दिव्यनी मागणी

ફૅરિસીઓની પજવણી દિવસે દિવસે વધતી જ ગઈ. ઈશુ પોતે ખ્રિસ્ત છે એમ એણે કોઈક દિવ્ય પરીક્ષા આપી સિદ્ધ કરી બતાવવું એવી એ માગણી કરવા લાગ્યા. ઈશુને પોતાના ભાવિની ઝાંખી થતી હોય એમ જણાય છે. એ પોતાના મરણથી જ પોતાની પરીક્ષા આપશે એમ મોઘમપણે સૂચવતો.

शिस्योनी रवानगी

તો પણ એનું કાર્ય ચાલુ જ હતું. હવે એ પોતાના શિષ્યોને પણ ઉપદેશાર્થે મોકલવા લાગ્યો. એણે એમને પોતાની સાથે લાકડી, ભાથું, પૈસા કે એકથી વધારે વસ્ત્ર રાખવાની મનાઈ કરી હતી. એ લોકો ફરી આવીને પાછા ઈશુને મળતા અને કરેલાં કાર્યોનો અહેવાલ આપતા.