પૃષ્ઠ:Ishu Khrist.djvu/૫૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અને પ્રેમવૃત્તિનો ઉદ્‍ભવ થાય, એને માટે શાન્તિનું દ્વાર ઊઘડી જાય. ઈશુએ કરેલા કુલટાના ઉદ્ધારમાં શું કે સંતોએ કરેલા અજામિલના ઉદ્ધારમાં શું, આ જ વસ્તુનું પ્રતિપાદન છે. અનુતાપનો અગ્નિ અને પ્રેમનો સોહાગ હૃદયની સર્વે અશુદ્ધિ બાળી નાખી એને શુદ્ધ કાંચન જેવું કરવા શક્તિમાન થાય. એ સિવાય બીજો માર્ગ પણ નથી.

પતિતપાવનતા એ સંતોનો ગુણ છે. આત્મોન્નતિની સામાન્ય ઇચ્છાવાળાઓએ એનું અનુકરણ કરતાં સાવધ રહેવું. જ્યાં સુધી પોતાના હૃદયના વિકારો શાન્ત ન થયા હોય, જ્યાં સુધી દુષ્ટ દર્શન, દુષ્ટ શબ્દ, દુષ્ટ સંગતિ હૃદયમાં વિકારો ઉત્પન્ન કરી શકતાં હોય ત્યાં સુધી કદાચ મનની દુષ્ટ વૃત્તિઓ જ પતિતપાવનતાની મોહક વૃત્તિનું સ્વરૂપ લે; અને એક વાર એ વૃત્તિ ફસાવે તો અધોગતિના કયા ખાડામાં નાખી દે તે કહેવાય નહિ. આત્મોન્નતિનો ક્રમ આ પ્રમાણે છે:

(૧) જ્યાં સુધી હૃદયમાં વિકારો ઉદ્‍ભવે છે ત્યાં સુધી પ્રયત્નપૂર્વક સત્સંગનું અનુશીલન અને કુસંગનો અત્યંત સાવધાનતાપૂર્વક ત્યાગ.
(૨) જ્યાં સુધી દુષ્ટ પ્રતિ આપોઆપ કરુણા ઊઠતી નથી ત્યાં સુધી તેમની ઉપેક્ષા કરવી અને સજ્જનો પ્રયે પૂજ્યભાવના (મુદિતા) વધાર્યા કરવી. સજ્જન કેવળ પૂજ્ય ન લાગે, પણ એ જ આપણને પ્રિય બની જાય ત્યાં સુધી એ વ્રુત્તિઓને પોષ્યા જ કરવી. જે માણસો પ્રત્યે આપણને આદર -પૂજ્યભાવ - હોય છે તે આપણને પ્રિય પણ હોય છે એમ હંમેશાં નથી હોતું. પણ જ્યાં સુધી પૂજ્યને પ્રિય નથી કર્યો ત્યાં સુધી આપણી અને એની વચ્ચે અંતર રહ્યા