પૃષ્ઠ:Ishu Khrist.djvu/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૩

ગુરુદ્રોહ

વાર પ્રાર્થના કરી વળી શિષ્યો આગળ આવ્યો, તો તે ઊંઘતા હતા. ઈશુએ તેમને જગાડ્યા અને રાત્રિ પ્રાર્થનામાં વિતાડવા વીનવ્યા. પાછો એ પ્રાર્થનામાં લાગ્યો, અને શિષ્યો પાછા ઊંઘમાં પડ્યા. એમ ત્રણવાર થયું, અને ત્રીજી વાર પણ શિષ્યોને ઊંઘતો જોઈ તે બોલ્યો, 'તમારી નિદ્રા શાંતિમય થાઓ. તમારો સાથી હવે વિરોધીઓના હાથમાં પકડાય છે.'

धरपकड

એટલામાં યેહૂદા એક હથિયારબંધ ટોળી સાથે ત્યાં ચડી આવ્યો. ટોળીના મુખીને એણે કહ્યું કે જેના હાથને હું ચુંબન કરું તેને પકડી લેવો. એમ કહી, ઈશુ પાસે આવી એને ચુંબન કર્યું. ઈશુએ કહ્યું, 'ભાઈ, તારું કામ કરી લે.' ટોળાંએ એને પકડી લીધો. પિટર એટલામાં જાગી ઊઠ્યો અને પહેલા આવેશમાં તલવાર ખેંચી કાઢીને મહાપૂજારીના નોકર પર ઉગામી. એથી નોકરનો કાન ઊડી ગયો. આ જોઈ ઈશુ બોલ્યો,'ભાઈ તલવાર મ્યાન કર; કારણ કે જે તલવાર ઉગામશે તે તલવારથી જ મરશે. હું બાર લાખ ફરિસ્તાઓને મારા રક્ષણને માટે બોલાવી શકું એમ છું, પણ એ રીતે મારે બચવું નથી. મારું મરણ જ મારી સેવા છે.' પછી ટોળાં તરફ ફરીને કહ્યું, 'આ નકામી ધમાલ શું કામ મચાવી? મંદિરમાં જ તમે મને જકડી શકતા હતા. આટલાં ટોળાંની શી જરૂર હતી? હું કાંઈ ધાડપાડુઓનો સરદાર છું?' પણ આટલી વારમાં પેલા અન્તેવાસીઓ પલાયન થઈ ગયા.