પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


માટે કલકત્તા લઇ આવ્યા. આથી ઘર ખટલાને બધો ભાર ઈશ્વરચંદ્ર ઉપર આવી પડ્યો. ત્હેમને ચાર આદમીઓને રસોઈ કરીને ખવરાવવું પડતું. બધાના ખાઈ રહ્યા પછી વાસણ માંજવાનું અને અબોટ કરવાનું કામ પણે ત્હેમને માથે હતું. વળી બજારમાંથી સરસામાન લાવવાનું કામ જ પણ ત્હેમનેજ કરવું પડતું. સુવાને માટે એમને ફક્ત બે હાથ લાંબી અને દોઢ હાથ પહોળી જગ્યા મળતી. આટલી સાંકડી જગ્યામાં એ સંકોચાઈને પડ્યા રહેતા હતા. પણ આટલા બધા દુઃખ અને અગવડને પણ એ બિલકુલ ગણકારતા નહીં. ઉલટું, એ બધા કામ પ્રસન્ન મને કરતા, અને જરા પણ થાક્યા વગર ભણવામાં રાત દિવસ ગુંથાયેલા રહેતા હતા; તથા ફુરસદના વખતમાં પોતાના ન્હાના ભાઈઓને પણ અભ્યાસમાં મદદ કરતા.

આટલું બધું દુઃખ વેઠીને ઘર સંસારના કામકાજનો આટલો બધો ભાર ઉઠાવીને પણ વિદ્યાલયમાં સૌથી ઊંચુ પદ મેળવ્યું હોય એવા વિદ્યાર્થીઓ જવલ્લેજ મળી આવશે.

ઠાકુરદાસ બંદોપાધ્યાયની ઘણા દિવસથી એવી ઈચ્છા હતી, કે પુત્ર ઈશ્વરચન્દ્ર કૉલેજનું શિક્ષણ સમાપ્ત કરીને વીરસિંહ જઈને એક પાઠશાળા ઉઘાડે, અને ત્ય્હાં ગામના તથા આસપાસના બાળકો ભણે. આ ઇચ્છાથી ત્હેમણે ઇશ્વરચન્દ્ર પાસે સ્કૉલરશિપના પૈસામાંથી કેટલીક જમીન ખરીદ કરાવી હતી, તથા કેટલાક હસ્તલિખિત અમૂલ્ય સંસ્કૃત ગ્રંથ ખરીદ કરાવ્યા હતા, આ ય ગ્રન્થો હજી પણ વિદ્યાસાગર મહાશયના પુસ્તકાલયમાં સાચવી રાખવામાં આવ્યા છે.

ઈશ્વરચન્દ્રે આ અરસામાં વ્યાકરણ અને સાહિત્યમાં ઘણી પ્રવીણતા મેળવી હતી. રજાના દિવસોમાં જ્ય્હારે પોતાને ગામ જતા ત્યારે ત્ય્હાંના બ્રાહ્મણો સાથે ઘણા સમાગમમાં આવતા શ્રાદ્ધાદિ પ્રસંગે એ બ્રાહ્મણોને શ્લોક રચના વગેરેનું કામ પડતું તો એ તરત રચી આપતા ગામના પંડિતો ત્હેમની શ્લોક રચનાની શક્તિ તથા પદલાલિત્ય જોઈને ઘણાંજ મુગ્ધ થઇ ગયા હતા. આથી ગામે ગામ ખ્યાતિ થઇ !