પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર


કૉલેજનો અભ્યાસ સમાપ્ત કર્યા પછી લૉ કમિટીની પરીક્ષ આપવાની ઈચ્છાથી વિદ્યાર્થીઓ સ્મૃતિ શ્રેણીમાં દાખલ થતા અને બે ત્રણ વર્ષ સુધી ઘણો પરિશ્રમ કરીને મનુસ્મૃતિ, મિતાક્ષરા, અને દાયભાગ આદિ હિંદુ કાયદાના પુસ્તકોનો અભ્યાસ પૂરો કરીને પરીક્ષા આપતા, પણ ઈશ્વરચન્દ્રે તો ફક્ત છ મહિનામાં જ એ ગ્રન્થોનો અભ્યાસ કરીને પરીક્ષા આપી અને ઘણી ઉત્તમતા પૂર્વક પાસ થયા. આ પરીક્ષા એની કઠણ ગણાતી કે કોઈ વિરલા વિધાર્થીઓજ એમાં પાસ થતા, તેથી ત્હેમની આ સફળતાને લીધે તેમનો યશ મલયવૃક્ષની માફક ચારે તરફ ફેલાઈ ગયો. મ્હોટા મ્હોટા પંડિતોએ પણ જ્ય્હારે સાંભળ્યું, કે મુછો પણ નથી ફૂટી એવી કિશોર વયના સોળ સત્તર વર્ષના બાળકેજ જજ પંડિતની પરીક્ષા પાસ કરી, ત્ય્હારે તેઓ આશ્ચર્ય સાગરમાં ગરકાવ થઈ ગયા. થોડા દિવસમાં ત્રિપુરા શહેરમાં જજપંડિતની જગ્યા ખાલી પડી. ઈશ્વરચન્દ્રે એ જગ્યા માટે અરજી કરી અને ત્હેમની નીમણુક પણ થઈ ગઈ. પરન્તુ એમના પિતાની ઈચ્છા એમને એટલે દૂર મોકલવાની નહોતી, તેથી એમણે એ નોકરી ન લીધી, અને પાછા વેદાન્ત ભણવા લાગ્યા. ત્ય્હાર પછી ન્યાય અને દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરીને ત્હેની પરીક્ષા આપી. એમા પણ એમનો પહેલો નંબર આવ્યો. આ ઉપરાંત ઉત્તમ ગદ્ય રચના તથા ઉત્તમ પદ્ય રચના માટે એમને સો સો રૂપિયાનાં બે ઈનામ મળ્યાં, જે દર્શનશાસ્ત્રનો અભ્યાસ બીજા લોકો આઠ વર્ષમાં પુરો કરે છે તે અભ્યાસ તીક્ષ્ણ બુદ્ધિના ઈશ્વરચન્દ્રે ફક્ત પાંચજ વર્ષમાં સમાપ્ત કર્યો. અને પ્રથમ નંબરે પાસ થઈ, બસેં રૂપિયાનું ઈનામ મેળવ્યું. ત્હેમના ન્હાના ભાઈ દીનબન્ધુના લગ્નમાં એમના પિતાએ જે ઋણ કર્યું હતું, તે ફેડવામાં સત્પુત્ર ઈશ્વરચન્દ્રે પોતાને ઈનામમાં મળેલા રૂપિયાનો ઉપયોગ કર્યો.

વિદ્યાસાગરનો સ્વભાવ તથા એમની મુખમુદ્રા એવાં ચિત્તાકર્ષક હતાં, કે એમના સમાગમમાં આવનાર હરકોઈ મુગ્ધ થઈ જતું. ત્હેમના ગુરુઓ પણ એમનાથી પ્રસન્ન રહેતા હતા. વેદાન્ત શ્રેણીના અધ્યાપક