પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૬
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

એવી યોગ્યતા પૂર્વક કરી હતી, કે ત્હેમની ભણાવવાની ઢબથી કૉલેજના વિદ્યાર્થીઓ તેમજ બીજા બધા પંડિતો પ્રસન્ન થઈ ગયા હતા.

ત્ય્હાર પછી છ દિવસમાં એમણે સંસ્કૃત કૉલેજની છે પરીક્ષા આપી અને ઈ. સ. ૧૮૪૧ના,૧૦ મી ડિસેમ્બરને દિવસે સંસ્કૃત કૉલેજનો ૧૨ વર્ષને ૫ માસ સુધીમાં સઘળો અભ્યાસ પૂરો કરી ‘વિદ્યાસાગર' ની ઘણી જ માન ભરેલી ઉપાધિ મેળવી. ભવિષ્ય જીવનમાં એ ‘વિદ્યાસાગર’ ના નામથી જ ઓળખાયા છે, અને હમે પણ આ સંક્ષિપ્ત જીવન ચરિત્રમાં ત્હેમને વારંવાર ‘વિદ્યાસાગર’ના નામથી સંબોધ્યા છે અને સંબોધીશું. પણ વાચકોએ સારી પેઠે યાદ રાખવું, કે ‘વિદ્યાસાગર’ એ કાંઇ ત્હેમની બાપદાદાથી ઉતરી આવેલી અટક નહોતી, કે સરકારે ખુશ થઈ જઈ બક્ષેલો ખિતાબ નહોતો, પણ મહામહેનતે પોતાની અંગત વિદ્વતાના પ્રતાપે મેળવેલી એક મ્હોટી પદવી અથવા ડીગ્રી હતી. વીસ વર્ષનો યુવક ‘વિદ્યાસાગર’ એવા ભાગ્યવાન પુરુષો સંસારમાં કેટલા થોડા હશે ! વ્યાકરણ, સાહિત્ય, દર્શનશાસ્ત્ર, સ્મૃતિ શાસ્ત્ર, જ્યોતોષ અને ધર્મશાસ્ત્ર આદિ વિષયોમાં વિશારદ હોય એવા વીસ વર્ષના પંડિતો આપણામાં કેટલા છે ? બુદ્ધિનું કેવું અપૂર્વ પરાક્રમ ! કૉલેજના અધ્યાપકો પણ વિસ્મય પામી ગયા. વ્યાકરણના અધ્યાપક કહેવા લાગ્યા “મ્હને ધન્ય છે ’ સાહિત્યના અધ્યાપક બોલ્યા ‘મ્હારું ભણાવવું આજ સાર્થક થયું છે.’ દર્શનશાસ્ત્રના અધ્યાપકે મુક્ત કંઠે સ્વીકાર કર્યો, કે “ઈશ્વરચંદ્ર અવશ્ય અસાધારણ શક્તિ વાળો છે’ ત્હેમના ડિપ્લોમા–પ્રમાણ પત્રમાં બધા અધ્યાપકોએ પોતાની સહી કરીને, પોતપોતાના વિષયમાં, ત્હેમની પ્રવીણાતાની ખાત્રી આપી છે. આ વિધાર્થીને ‘વિદ્યાસાગર’, કહે તો બીજા કોને કહે ? એમના બધા અધ્યાપકો એમને શિષ્યરૂપે મેળવીને પોતાના જીવનને ગૌરવાન્વિત કરી ગયા છે. હમેતો એટલા સુધી માનીએ છીએ કે ઈશ્વરચન્દ્ર જેવા સાત્પાત્ર વિદ્યાર્થીના નામ સાથે જોડાવાથી ‘વિદ્યાસાગર’ ઉપાધિનું ગૌરવ વધ્યું છે. પર્વત સમાન દૃઢ