પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૧
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

અસ્તિત્વ ધરાવે છે.

આ અરસામાં સંસ્કૃત કૉલેજમાં વ્યાકરણની પ્રથમ શ્રેણીના અધ્યાપકની જગ્યા ખાલી પડી. અધ્યક્ષોએ એ જગ્યા વિદ્યાસાગરનેજ આપવાનું ધાર્યું. પણ એ પરોપકારી નિર્લોભી મહાત્માએ એ નોકરી પોતે ન લેતાં પોતાના એક મિત્ર તારાનાથ તર્કવાસ્પતિ મહાશયને રૂ. ૯૦ ના પગારે અપાવી. જે વખતે તારાનાથજીની નોકરીના સંબધમાં એમણે ભલામણ કરી તે વખતે પંડિત તારાનાથ કલકત્તામાં નહોતા. અધ્યાપકની આવશ્યકતા પણ જલ્દી હતી. તેથી વિદ્યાસાગર રાત દિવસ પગે ચાલીને ત્રીસ ગાઉ દૂર ૫ંડિતજીને ઘેર ગયા અને ત્ય્હાંથી એમને તેડી લાવીને એ જગ્યાએ નોકર રખાવ્યા, કારણ એ હતું, કે પંડિત તારાનાથ વાચસ્પતિને નોકરી અપાવવાનું એ અગાઉ એક વખત વચન આપી ચુક્યા હતા તેથી વખત આવતાં પોતાના અંગત લાભનો કાંઈ પણ વિચાર ન કરતાં એમણે પ્રતિજ્ઞા પૂર્ણ કરી. પ્રતિજ્ઞા રક્ષણને માટે વિદ્યાસાગરે આટલો બધો પરિશ્રમ લીધો એ જાણીને તર્ક વાચસ્પતિ મહાશય, અને ત્હેમના પિતા બોલી ઉઠ્યા ‘ધન્ય ! વિદ્યાસાગર ત્હમે મનુષ્ય રૂપે દેવતા છો.’

આતો વિદ્યાસાગરની પરોપકાર વૃત્તિનું એક ન્હાનું સરખું દૃષ્ટાંત બતાવ્યું. આગળ ઉપર એમના ગુણો વાંચકોને સંપૂર્ણ રીત્યે વિદિત થશે, પરંતુ આ સમયે હમે ત્હેમની માતૃ ભક્તિનો એક નમૂનો બતાવવાની ઈચ્છા રાખીએ છીએ.

જે વખતે મહાત્મા વિદ્યાસાગર ફૉર્ટ વિલિયમ્સ કૉલેજમાં નોકરી કરતા હતા તેવામાં એક દિવસ ત્હેમને ઘેરથી ત્હેમના ન્હાના- ભાઇના લગ્નનો સંદેશો આવ્યો. કલકત્તેથી એમના ઘરનાં બીજા માણસો તો વિવાહ મ્હાલવાને વીરસિંહ ગામ ગયા હતા. પણ કામ વધારે હોવાથી કૉલેજના અધ્યક્ષે વિદ્યાસાગરને રજા ન આપી. એ દિવસે તો એ કાંઇ ન બોલ્યા, અને સ્હાંજે ઘેર આવીને ભોજન કરીને સુઈ રહ્યા ઘેર કેવી રીતે જવું એજ વિચાર એમના મનમાં ઘોળાયા કરતો હતો.