પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૩
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


છોડી દેવાને ઘણાએ સમજાવ્યા. પણ એ દૃઢ ચિત્તના મહાત્માએ સાફ ના કહીને કહ્યું કે ‘જે નોકરી એક વખત છોડી દીધી તે ફરીથી ગ્રહણ નહીં કરું. આજ મ્હારી છેલ્લી નોકરી છે. હવે બાકીના જીવનનો સઘળો વખત દેશના સ્ત્રી પુરૂષના જ્ઞાનની ઉન્નતિ અને વિદ્યાના પ્રચારમાં ગાળીશ, અને એ વ્રતનું જીવનના અન્તિમ દિવસે, મ્હારી ચિતાની ભસ્મમાં ઉદ્યાપન થશે.’

કેવો ઉચ્ચ અભિલાશ ! કેવું પવિત્ર વ્રત ! કોણ કહી શકશે કે વિદ્યાસાગરે આ વ્રત જીવન પર્યંત નીભાવ્યું નથી ? કોણ કહેશે, કે આ રાજસૂયયજ્ઞમાં એ વિજયી પાંડવોની માફક, ભગવાનની શુભ દૃષ્ટિ પ્રાપ્ત કરીને કૃતાર્થ નથી થયા ?

ઇ. સ. ૧૮૫૮ ના નવેમ્બર માસમાં તેમણે રાજીનામું આપ્યું. જો કે સરકારી નોકરી છોડી દેવાથી ત્હેમના જેવા ખરચાળ ગૃહસ્થને ઘણું દુ:ખ ખમવું પડ્યું, તોપણ એમણે ફરીથી નોકરીતો નજ કરી. ત્હેમના કેટલાક અંગ્રેજ મિત્રોએ પછીથી પણ નોકરી સ્વીકારવાનો ઘણોએ આગ્રહ કર્યો, પણ એમણે પોતાનો ટેક કદી ન છોડ્યો.

વ્યાવહારિક દૃષ્ટિથી જોતાં, વિદ્યાસાગરનું આ આચરણ ઘણાને ડહાપણ ભરેલું નહીં જ જણાય. કારણ કે ઉપરી અમલદાર સાથે જરા જરા મત ભેદ થતામાં હાથ નીચેના અમલદારો એમ નોકરી છોડવા તત્પર થઇ જાયતો એથી રાજ્ય પ્રબંધમાં ખલેલ પહોંચે. પણ વિદ્યાસાગર જેવા સત્યવ્રત લોકો એવા વ્યવહાર કુશળ લોકો કરતાં જુદી શ્રેણીના હોય છે. વિધાતાએ એમને કાંઈક નવિનતા ઉત્પન્ન કરવાજ મોકલ્યા હતા. તાબેદાર રહીને, હાજી હા કરીને નોકરી કરવાનો ગુણ વિધાતાએ ત્હેમને આપ્યોજ નહોતો. એવા તાબેદાર અમલદારો હિન્દુસ્થાનમાં અનેક છે. વિદ્યાસાગરને પણ એવા જ બનાવી ત્હેમની સંખ્યા વધારવી એ વિધાતાને અસંગત અને અનાવશ્યક લાગ્યું હતું.

નોકરી છોડ્યા પછી વિદ્યાસાગરે દેશ સેવા કેવી રીત્યે કરી ત્હેનો કાંઈક આભાસ દેવે વાંચકોને કરાવીશું.