પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૮
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


સૂધી પરિશ્રમ કર્યો હતો. પરંતુ એ વખતે એમની પાછલી વય હતી. શરીર જીર્ણ થઈ ગયું હતું. પોતાની એકઠી કરેલી સામગ્રીનો ઉપયોગ કરીને એવો ઇતિહાસ લખવા માટે પાછલી વયમાં એમને એક વિદ્વાન ગ્રેજ્યુયેટને આગ્રહ પણ કર્યો હતો. સડસઠ વર્ષના અસ્વસ્થ વૃદ્ધ પુરુષે ભારત વર્ષનો સંપૂર્ણ ઇતિહાસ લખવાની સમગ્રી એકઠી કરવી અને એ ઉદ્યમમાં પ્રવૃત્ત થવું એ ભારત વર્ષેમાં એક વિચિત્ર વાત છે.

ટુંકામાં આ પ્રકરણ સમાપ્ત કરતાં હમે કહીશું, કે બંગાળી ભાષા વિદ્યાસાગરની એક મુખ્ખ કીર્તિ છે. એ ભાષા જો કદી સાહિત્ય સંપત્તિને લીધે ઐશ્વર્યશાલી થઈ ઉઠશે, જો એ ભાષાની ગણના અક્ષય ઉચ્ચભાવની જનની તરીકે, માનવ સભ્યતાની ધાત્રી અને માતા એમાં થશે. જે એ ભાષા પૃથ્વીના શોક સંતાપમાં એક નૂતન સાંત્વનાનું સ્થળ બનશે અને સંસારની તુચ્છતા અને ક્ષુદ્ર સ્વાર્થો મુકી દેવરાવી એક મહત્વના આદર્શરૂપ બનશે, તો ત્હેની એ કીર્તિને માટે એ વિદ્યાસાગરની ઘણે અંશે આભારી ગણાશે.

આ પ્રસંગે એ પણ કહેવું જોઈએ, કે બંગાળી ભાષામાં એમના પુસ્તકોનો સત્કાર ઘણોજ સારો થયો છે. પોતાનાં પુસ્તકો તથા છાપખાના વગેરેમાંથી એમને ૩ હજારથી પાંચ હજાર સૂધીની માસિક આવક થતી, આટલી માસિક આવક આપણા દેશમાં ઘણા થોડાજ ગ્રન્થકારોનાં નસિબમાં હશે. પણ આપણે આગળ ઉપર, આ ટુંકા જીવન ચરિત્રમાં જોઈશું, કે એમણે પોતાની સકમાઈના ધન ઉપર તાગડધીનાં કર્યાં નથી, ગાડી ઘોડા દોડાવ્યા નથી, ઘરની વહુઓને કે છોકરીઓને કિંમતી વસ્ત્ર કે મૂલ્યવાન ઘરેણાં ગંઠા પહેરાવ્યાં નથી. ઘણીજ સાદાઈથી પોતાનો તેમજ કટુંબનો નિર્વાહ કરીને બધી આવક દીન નિરાધાર દેશબન્ધુઓના કલ્યાણ માટે વાપરી છે.