પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૦
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


પર્યન્ત જોઈ નથી. એ દયામયી સૌમ્ય મૂર્તિ મ્હારા હૃદયમાં દેવીની મૂર્તિ પેઠે પ્રતિષ્ઠિત થઈને વિરાજમાન છે. પ્રસંગવશ એમની વાત નીકળતાં, ત્હેમના અપ્રતિમ ગુણોનું કીર્તન કરતાં કરતાં મ્હારાથી અશ્રુપાત કર્યા વગર રહેવાતું નથી. હું સ્ત્રીજાતિનો પક્ષપાતી છું. એમ ઘણા લોકો ટીકા કરે છે. મ્હને લાગે છે, કે એમની એ ટીકા અસંગત નથી. જે માણસે રાઈમણીના સ્નેહ, દયા, સૌજન્ય આદિનો અનુભવ કર્યો છે, અને જે ત્હેમના સધળા ગુણોનાં ફળ ભોગવી ચુક્યો છે, તે મનુષ્ય સ્ત્રીજાતિનો પક્ષપાતી નહોય, તો એના જેવો કૃતઘ્ન પામર આ ભૂમંડળમાં બીજું કોઈ નથી.”

સ્ત્રીજાતિના સ્નેહ, દયા તથા સૌજન્યથી બેનસિબ રહેલા હત્‌ભાગી આપણામાંથી કેટલા થોડા જણ હશે ! પણ ક્ષુદ્ર, પામર, હૃદયનો સ્વભાવજ એવો હોય છે, કે જેટલો ત્હેના ઉપર વગર માગ્યે ઉપકાર કરવામાં આવે છે, તેટલોજ એ વધારે કૃતઘ્ની નીવડે છે. જે કાંઈ સ્હેલાઈથી મળે છે ત્હેને એ પોતાનો હક્ક સમજે છે; પોતાની તરફથી જે આપવાનું હોય છે તે સહજમાં ભુલી જાય છે. આપણે પણ સંસારમાં ઘણી વખત રાઈમણીને જોઈએ છી, અને જ્ય્હારે એ સેવા કરવા આવે છે ત્ય્હારે ત્હેમની બધી સેવા ચાકરી અને પ્રીતિને બેપરવાઈથી સ્વીકારીને ત્હેમના ઉપર મ્હોટો ઉપકાર કરીએ છીએ. એ જ્ય્હારે ચરણે પૂજા કરવા આવે છે ત્ય્હારે આપણે આપણા પંક-કલંકિત પદયુગલ વગર સંકોચે લાંબા કરીને, અત્યંત નિર્લજ બનીને, પોતાને ખરેખરા નરદેવ સ્વરૂપ માનીને, નારી સંપ્રદાયની પૂજા ગ્રહણ કરવાને પોતાને અધિકારી માનીએ છીએ. પણુ એ બધી સેવિકા, પૂજારણો અબળાઓના દુઃખ મોચન અને સુખ સ્વાસ્થ્યની યોજનાઓ ઘડતી વખતે આપણા જેવા મર્ત્ય દેવોની લુંભકર્ણની ઊંછ જરાપણ ઉડતી નથી. ત્હેનું કારણ એ છે, કે આપણે એમ માની લીધું છે કે સ્ત્રીજાતિ પાસે આપણા સુખ વૈભવને માટે સેવા કરાવવી, એ આપણો હક્ક છે તેથી એ સેવાને આપણાં હૃદયમાં પ્રવેશ કરાવી કૃતજ્ઞતા પ્રગટા કરવાનો