પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૬
૫૬
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


અથવા વિધવાકન્યાઓને ટ્રેઇનિંગ કૉલેજમાં શિક્ષણ લેવા અને ત્ય્હાર બાદ સ્વતંત્ર રૂપે ધંદો કરવાની રજા આપે એ બનવા જોગ નથી. અને જો એમ ન બને તો શંકાસ્પદ ચાલચલણની અથવા હલકા કુટુમ્બની સ્ત્રીઓના હાથમાં ઉછરતી બાળકીઓને સોંપવી એના કરતાં સુયોગ્ય પુરૂષોજ ત્હેમને ભણાવે એ વધારે શ્રેયસ્કર છે.

હાલતો ફીમેલ ટ્રેનીંગ કૉલેજોના પ્રશ્નનો ખુલાસો થઈ મુક્યો છે. એવી સંસ્થાઓ દરેક પ્રાન્તમાં સફળતા પૂર્વક કામ કરે છે. પણ એ સમયે તો વિદ્યાસાગરનો અનુભવ ખરો સાબિત થયો હતો. મિસ કરપેન્ટરના આગ્રહથી સ્થપાયેલી ટ્રેનીંગ કૉલેજ બંગાળની સરકારને થોડા સમયમાં બંધ કરી દેવી પડી હતી.

સ્ત્રી કેળવણી માટેના વિદ્યાસાગરના પ્રયત્ન સંબંધી આ ટુંકુ વૃતાન્ત સમાપ્ત કરતાં અગાઉ હમારે ન્યાયની ખાતર કહેવું પડશે, કે વિદ્યાસાગરના ઉપકારોનો યથાશક્તિ બદલો વાળવામાં બંગાળી સ્ત્રીઓએ પાછી પાની કરી નથી. ત્હેમના મૃત્યુ સમાચાર મળતાંજ બંળાળી લલનાઓએ ત્હેમની સ્મૃતિ કાયમ રાખવા માટે ફંડ એકઠું કરવા માંડ્યું, અને રૂ. ૧૬૭૦ એકઠા કરીને કલકત્તા યુનિવર્સિટીને એ શરતે સોંપ્યા, કે ત્રીજા વર્ગમાંથી ઊંચેનંબરે પાસ થઈને જે હિન્દુ કન્યા એન્ટ્રેન્સ (પ્રવેશિકા) પરીક્ષાને માટે અભ્યાસ કરે, ત્હેને એ રકમના વ્યાજમાંથી બે વર્ષ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે. કોણ કહી શકશે કે બંગરમણીઓ તરફનું આ યોગ્ય સ્મારક નહોતું? વિદ્યાસાગર નારી જાતિના પરમ સુહૃદ્ હતા. ત્હેમની સેવાના મ્હોટા કીર્તિ સ્તમ્ભ રૂપ આ સ્મારક સ્ત્રીઓએ સ્થાપ્યું. એ ઉપરથી આપણને કાંઈ ખેદ થતો હોય તો તે એટલોજ કે અનેક રીત્યે ત્હેમના ઉપકારના ઋણ તળે દબાએલા બંગાળી પુરૂષો ત્હેમનું થયેચ્છ સ્મારક આજ પર્યન્ત ઉભું નથી કરી શક્યા.