પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૨
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


ચાલુ જ રાખ્યું અને ઈ. સ. ૧૯૬૬ની ૧૯ મી માર્ચે તે વખતના લેફ્ટેનન્ટ ગવર્નર સિસિલ બિડનના હાથમાં ૨૧૦૦૦ મનુષ્યોની સહીઓ સાથે એક અરજી આપી બંગાળના વીસ બાવીસ આગેવાનો એ ડેપ્યુટેશનમાં સામેલ હતા. ત્હેમની અરજીનો આશા ભર્યો ઉત્તર આપતાં સર સિસિલ સાહેબે કહ્યું કે “૧૮૫૭ માં જો સિપાહી વિદ્રોહ ના થયો હોય તો સરજૉન ગ્રાન્ટ સાહેબજ આ કામ પાર ઉતારત. મ્હેં એ સમયે પણ યથાસાધ્ય ચેષ્ટા કરી હતી અને હમણાં પણ કરીશ!” પરંતુ ઉપરી હાકેમોની સહાનુભૂતિ ન હોવાથી કે ગમે તે કારણથી એ સહૃદય સાહેબ પોતાનું વચન ચરિતાર્થ ન કરી શક્યા. આ પ્રયત્ન સફળ ન થવાથી વિદ્યાસાગર મહાશયે બહુ વિવાહના ખંડન રૂપે એક ઉપયોગી પુસ્તક લખ્યું, અને ત્હેનો ખૂબ પ્રચાર કર્યો. એ ગ્રંથમાં કોમળ સ્ત્રી જાતિના દુઃખ રડતાં, એમણે જે હૃદયદ્રાવક અશ્રુધારા વહેવરાવી છે, તે કોઈપણ પાષાણ હૃદયને પીગડાવવા પુરતી છે. ત્હેમની ઈચ્છા હતી, કે પોતાના બહુ વિવાહ સંબંધી ગ્રન્થનું અંગ્રેજીમાં ભાષાન્તર કરીને, જાતે ઇંગ્લાન્ડ જઈને, કરોડો પ્રજાની જનનીરૂપ મહારાણી વિક્ટોરિયાની સદનમાં અસંખ્ય બંગરમણીઓની અશ્રુજલાનજલી અર્પણ કરૂં અને ભારતેશ્વરીને રૂબરૂ પુછું કે જે દેશમાં પુણ્ય શ્લોકા પરમસાધ્વી રમણીરત્ન રાજ્ય કરે છે, તે દેશની સ્ત્રી જાતિની આટલી દૂર્દશા કેમ થાય છે?

પણ બંગાળી સ્ત્રીઓના ભાગમાં આ સંકટ ભોગવવાનું હજુ પણ લખેલું હશે, બંગાળીઓના ચારિત્ર માંથી એકદમ એ કલંક નિવારણ કરવાની દૈવેચ્છા નહીં હોય તેથીજ પોતાના શુભ સંકલ્પને અમલમાં મુકતા પહેલાંજ વિકરાળ કાળ મહા મૂલ્યવાન વિદ્યાસાગરના દેહને ખાઈ ગયો. ત્હેમનો એ પરોપકારી સંકલ્પ કલ્પનામાં જ રહી ગયો !!

વિદ્યાસાગર મહાશય કેવળ વિવાહના પ્રચાર અને બહુ વિવાહના નિવારણના પ્રયત્નો કરીને જ બંધ રહ્યા નહીં. ભારત વાસીઓની સર્વ પ્રકારે સામાજીક ઉન્નતિ સાધવાના કાર્યમાં એ પ્રવૃત્તિ થયા.