પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૫
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

પ્રત્યેની કલ્યાણેચ્છા દર્શાવવા રાજ્યભવનમાં ઉપસ્થિત થયા અને સંમતિ વયના કાયદાના પક્ષમાં બોલતા કહ્યું કે ‘મ્હારા અભિપ્રાય મુજબ કન્યાને રજસ્વલા થતાં પહેલાં સ્વામીનો સંગ કરવાની પરવાનગી ન આપવી જોઈએ. એ સમય પહેલાં સ્ત્રીનો સંગ કરનાર પતિ કાયદા પ્રમાણે સજાને પાત્ર ગણવો જોઈએ. આમ કર્યાથી ધર્મનો લોપ થવાની જરા પણ ધાસ્તી રહેવાની નથી. બલ્કે, એથી શાસ્ત્રની આજ્ઞાની પુનઃપ્રતિષ્ઠા થશે. શાસ્ત્રમાં એવા પ્રકારના અન્યાય પૂર્ણ આચરણને માટે જે વ્યવસ્થા છે, તે આધ્યાત્મિક છે અને તેથી લોકો સ્હેલાઈથી ત્હેની ઉપેક્ષા કરે છે, પણ સરકાર જો દંડ નક્કી કરે તો શાસ્ત્રની આજ્ઞા વધારે સફળ થશે.’

સંસાર સુધારા સંબંધી વિદ્યાસાગરનું આ છેલ્લું કાર્ય હતું. બ્રાહ્મણના સર્વ પ્રધાન ગુણ, ઉદારતા અને વિચારોની સ્વતંત્રતા વિદ્યાસાગરમાં પૂર્ણ રૂપે હતા. આજકાલ આપણા કેટલાક ટુંકા વિચારના યુવકો એમ માનતા લાગે છે કે દેશ જનોના લાભને માટે સરકારને અણગમતી વાત કહેવાની હિંમત ધરવી એ જ વીરતાનું એકમાત્ર લક્ષણ છે. પણ એવા ગૃહસ્થોને હમારે નમ્રતાપૂર્વક કહેવું જોઈએ, કે સ્વદેશ બંધુઓની સાંસારિક સ્થિતિ સુધારવા માટે એમને અણગમતા, સૈકાઓ થયાં ચાલતા આવતા એમના હાનિકારક રિવાજની વિરુદ્ધ વાત કહેવી એમાં પણ એથી વધારે નહીં તો એટલીજ ભારે હિંમત જોઈએ છે. લોકનિંદા લોકોપવાદ વ્હાલામાં વ્હાલા સગાં સંબંધી અને મિત્રોનો તિરસ્કાર, અને અજ્ઞાન ઉચ્છ્રંખલ દેશ બન્ધુઓ તરફના જાનને પણ જોખમમાં નાખનારા નીચ હુમલાઓની સ્હામે થઈને કર્તવ્ય પરાયણતા પૂર્વક દેશના કલ્યાણને માટે સંસાર સુધારાનું આંદોલન કરનારા મહાત્માઓ પણ, રાજ્યકીય વીરનરો જેટલાજ સ્તુતિ અને પૂજાને પાત્ર છે.

નિઃસ્વાર્થ વૃત્તિથી, અનેક પ્રકારના સ્વાત્મભોગ પૂર્વક સંસાર સુધારાના કાર્યમાં હાથ ઘાલવાથી કેટલાક લોકોએ એમને ‘નાસ્તિક’