લખાણ પર જાઓ

પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જળવાઇ રહે તે માટે, સમયસર ચૂકવવા કાળજી લઈએ છીએ, પરંતુ ઇશ્વર દ્વારા માનવસૃષ્ટિના નિર્માણ માટે જે લોકો પોતાનાં અંગોની આહુતિ આપી એક પડકારરૂપ જીવન જીવવા સતત પ્રયત્નશીલ છે, એવા લોકોની આપણે કદી ઊંડાણથી ચિંતા કરી નથી. કેટલાક લોકોનું આ ક્ષેત્રે અમૂલ્ય ચિંતન જોવા મળે છે, એટલે જ કદાચ આપણો વ્યવહાર ચાલી રહ્યો છે. હજુ દેવાળુ ફુંકાયું નથી. હું આશાવાદી છું. મને શ્રદ્ધા છે. જે કોઇ આ પુસ્તકનું, આ પ્રકરણ વાંચશે તે આ દિશામાં વિચારી વિકલાંગોના કલ્યાણ માટે યત્કિંચિત યોગદાન આપવા જરૂર સંકલ્પ કરશે.

બૅંંકોનું ઉઠમણું કરી મૂકે તેવા-વિજય માલ્યા જેવા ઋણ લેનાર માનવીઓ છે, તે જ પ્રમાણે આ સૃષ્ટિનું પણ ઉઠમણું કરી મૂકે તેવા ક્રૂર સત્તાધીશો પણ સત્તાના સિંહાસને બેઠા છે ! જ્યાં સુધી આવા લોકોનું વર્ચસ્વ સૃષ્ટિ પર બળવત્તર હશે ત્યાં સુધી ઈશ્વરની સૃષ્ટિનું ઋણ ચૂકવનાર વિકલાંગોને સહન કરવું જ પડશે. જે રીતે વૈભવી સુખ માટે લેવાયેલ ફરજ માટે વ્યાજ પેટે ચૂકવવામાં આવતી રકમ સદ્‌ગૃહસ્થની શોભા બની શકતી નથી અર્થાત્ સદ્- ગૃહસ્થના ઘરમાં સ્થાન પામી શકતી નથી છતાં તે સદ્‌ગૃહસ્થના હિત માટે વલોવાય છે, તેવી જ રીતે સૃષ્ટિના હિત માટે પ્રત્યેક વિકલાંગોએ વલોવાવું રહ્યું !

સામાજિક વિચારોની ક્રાંતિ દ્વારા વિકલાંગોને દરેક ક્ષેત્રે ઉજ્જવળ તક મળે તેવા ઉમદા હેતુ માટે હું જનચેતના આંદોલન ચલાવી રહ્યો છું. આ આંદોલન દ્વારા વિકલાંગોની વિશિષ્ટ શક્તિઓનો પરિચય સમાજના એક-એક વ્યક્તિને કરાવવાનો હેતુ છે. જેના માટે દિવસે-દિવસે અવનવા કાર્યક્રમો દ્વારા સમાજની વચ્ચે જવાનો મનસૂબો છે. દુનિયાના અન્ય દેશોમાં ક્ષતિગ્રસ્ત લોકોને જે સગવડો, સાધનો કે વિશિષ્ટ નિયમોનો લાભ આપવામાં આવે છે,

તેટલો લાભ આપણા દેશના વિકલાંગોને વાસ્તવિક રીતે મળી શકતો નથી.

[૧૦૩]