દરમ્યાન જાણકારી આપવામાં આવતી. ગામડે - ગામડેથી ફંડ પણ એકત્રિત કરવામાં આવતું. મારા બાપુજી ટપુભાઈ પટેલ તાલુકા કૉંગ્રેસ પ્રમુખ હોવાને નાતે દરેક ગામમાં કાર્યક્રમની વ્યવસ્થામાં સંસ્થાને સહયોગ આપતા, જેના કારણે મને સંસ્થાની કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. હું ગામડે - ગામડે યોજાતા કાર્યક્રમોની વ્યવસ્થા, ભોજન, કલાકારોને લાવવા-લઇ જવાના વગેરે કાર્યમાં સહયોગ આપતો. મારા શિક્ષક શ્રી ચૂનિભાઈ કે.જોષી અને રમણીકભાઇ આર. ચંદારાણા મને આ કાર્ય કરવા માટે ખાસ પ્રેરણા આપતા. તેઓ મને હંમેશાં કહેતા: ‘તારા પિતાશ્રી મોટા કાર્યકર છે. તારે અંધજનો માટે સેવાના કાર્યમાં મદદ કરવી જોઇએ. ગામડે - ગામડે કાર્યક્રમો ગોઠવવાની જવાબદારી તારી, કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવે તેવા પ્રયત્નો પણ તારે કરવાના રહેશે.’ આવી ઘણી વાતો ચૂનિભાઇ અને ચંદારાણાસાહેબ મને અવાર-નવાર કરતા, અમારા ચૂનિભાઇ જોષી તે વખતે અંધઉત્કર્ષ સેવા મંડળ ચલાવતા હતા. તેમણે અંગ્રેજી ટૂંકાણની બુક તૈયાર કરી હતી. તે એન.એ.બી. મુંબઈ બ્રેઇલ પ્રેસમાં છપાવવાની હતી. અંધઉત્કર્ષ સેવા મંડળ પાસે બુક છપાવી શકે તેવું ફંડ ન હતું. જોષીસાહેબે મને ફંડ એકત્રિત કરવા જવાબદારી સોંપી. તે વખતે આવી સો અંગ્રેજી ટૂંકાણની બુક તૈયાર કરવાના લગભગ ઓગણીસસો રૂપિયાની કિંમત થતી હતી. તે રકમ બાપુજીના સહકારથી મેં એકત્રિત કરી આપી. બંને સાહેબોનો મારા પર મોટો આશીર્વાદ હતો.
આ જ રીતે વિદ્યાર્થી અવસ્થામાં મારા સહાધ્યાયી મિત્રોનું કૌશલ્ય વધે તેવી વિવિધ સ્પર્ધાઓ પણ હું કેટલાક મિત્રો સાથે મળી સમયાંતરે યોજતો. તે વખતે શાળાના સંચાલક મંડળ દ્વારા આવી કોઇ સ્પર્ધાઓનું આયોજન થતું નહિ. અમારા મિત્ર સર્કલ દ્વારા રકમ એકત્રિત કરી, બ્રેઇલ વાંચન, વક્તૃત્વ અને
સંગીત જેવી સ્પર્ધાઓ યોજાતી. સંસ્થાના મૂકસેવક અને અમારા માર્ગદર્શક શ્રી