લખાણ પર જાઓ

પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તીવ્ર દુઃખાવો. એક સેકન્ડ પણ સહી ન શકાય તેવી સ્થિતિમાં ડૉ. માલતીબહેન મહેતા પાસે પહોંચ્યાં. તેમણે આંખની તપાસ કરી, જામરનાં પ્રેશરને કારણે દુઃખાવો છે - તેવું કહ્યું. દવાથી બધું જ મટી જશે તેવું આશ્વાસન પણ આપ્યું, લગભગ આઠ દિવસ બાદ ફરી તીવ્ર દુખાવો... આ જ રીતે ડૉ.માલતીબહેન પાસે પહોંચ્યા. તેમણે વારંવાર દુઃખાવો સહન ન કરવો હોય તો આંખ કાઢી નાખવી વધુ સલાહભર્યું છે તેમ કહ્યું. તેણીની સલાહ મુજબ મારી આંખનું ઓપરેશન થઇ ગયું ત્યારબાદ આંખનો દુખાવો કાયમ માટે ગયો. અમારા પતિ-પત્નીનાં જીવનમાં ખુશીનું છોગું તારીખ ૯ નવેમ્બર, ૧૯૯૯નાં રોજ પૂર્ણ સ્વસ્થ નિષ્ઠાના જન્મથી ઉમેરાયું. માતા-પિતા બનવાની ધન્યતાનો અનુભવ કર્યો.

ડૉ. જગદીશભાઇ પટેલના વ્યવહારનો મેં મનોમન વિરોધ કરી ટીકા કરી હતી તે મુજબ મારા વાસ્તવિક જીવનમાં જે ઉદાહરણ બેસાડવા ઇચ્છતો હતો, તેવો ન્યાય મારાં પત્ની નીલાને આપ્યો નથી. તે માણસ પારખું છે, કોઈ પણ વ્યકિતને સાંભળ્યા પછી તેના વર્તન વિશે ઘણી જ ઝડપથી તે અનુમાન બાંધી લે છે. મહદ્અંશે તેણે કરેલું અનુમાન સાચું પણ હોય છે. તે મારી જેવા ભટકેલા માણસની સાન ઠેકાણે લાવી, યોગ્ય દિશામાં મોકલવા; યોગ્ય માર્ગ પર ચાલતા રાખવા શક્તિમાન છે. તેણીએ તેમની શક્તિનો પરિચય આપી મને સબળ અને સક્ષમ બનાવવા મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેમની આ બધી શક્તિનો સાચો પિરિચય મારી બીમારીમાં થયો. નવેમ્બર ૨૦૧૩માં જાણે કે ઇશ્વરે મારી ટ્રેઇનનું સ્ટેશન નક્કી કરી તેમની પાસે રાખેલી ટિકિટ મને મોકલી આપી હોય તેમ સામાન્ય દેખાતી બીમારીમાંથી, મને અસાધારણ અવસ્થામાં મોકલી, સમગ્ર રીતે અસમર્થ બનાવી; વિવશ કરી મૂક્યો જ્યાંથી મને ખુદને મારી કોઇ જાત સંભાળ લઇ ન શકું તેવી અવસ્થામાં ધકેલી, પથારીવશ કર્યો,

ત્યારે શાસ્ત્રોમાં સતી અનસૂયાનું પાત્ર જોવા મળે છે તેવાં વાસ્તવિક દર્શન થયાં.

[૧૧૬]