લાભુભાઈનો સ્વાભાવ ખૂબ જ મિલનસાર અને માયાળુ હોવાના લીધે તેઓ નાના-મોટા સૌ-કોઈ સાથે ક્ષણભરમાં જ સંકલન સાધી લે છે. તેઓ પાસે ઉચ્ચ પ્રકારની લીડરશિપ હોવાના લીધે અને પોતે સર્વાનુમતિમાં માનતા હોવાને કારણે પોતાના સહકર્મી, શિક્ષકો, સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, અધિકારીઓ-સૌને સાથે રાખીને જ હંમેશાં કાર્ય કરે છે. તેઓ સારા વહીવટ કરતા તો છે જ, પણ શિક્ષણ, આરોગ્ય જેવા અનેક વિષયના જ્ઞાની પુરુષ છે, સારા વક્તા છે. જેને સાંભળવા પણ એક લહાવો છે.
લાભુભાઈએ ક્યારેય પોતાની આંખ ગુમાવ્યાનો અફસોસ કર્યો નથી, પોતાની આ વ્યથા-કથાને હળવી રમૂજ સાથે કહેતા કે ‘ટાઈફોઈડમાં મારી આંખ બચી ગઇ હોત તો...હું આજે નાનો-મોટો હીરાનો વેપારી હોત, જીવનમાં વિશેષ કંઈ કરી શક્યો ન હોત.’ તેમનું આ વિશેષ જીવન અનેક વિકલાંગ ભાઈ-બહેનો માટે સવિશેષ બની રહ્યું છે. આમ, સુંદર અને પ્રેરણાત્મક વ્યક્તિત્વના ધની એવા લાભુભાઈ કુદરતના કોપને આશીર્વાદમાં રૂપાંતરિત કરી, દૃઢ નિશ્ચયશંક્તિને લીધે સામાન્ય વ્યકિતઓને આશ્ચર્યચકિત કરે તેવું જીવન જીવી રહ્યા છે. હાલ, તેઓ ભાવનગરમાં તેમનાં ધર્મપત્ની નીલાબેન કે જેઓ પણ પ્રજ્ઞાચક્ષુ છે અને જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ દંપતીની આંખો તેમની દીકરી નિષ્ઠા છે, જેના સહકારથી તેઓ વિકલાંગોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે.
ખરેખર... શ્રી લાભુભાઈ સોનાણી એક દીવાદાંડી સમાન છે. જે સૌ-કોઈને ‘સાચા માર્ગ પર કેમ ચાલવું ?’ તેની પ્રેરણા પૂરી પાડે છે. આશા રાખું કે-લેખક પરિચય બાદ આપશ્રીને લાભુભાઈ સોનાણીના જીવન પ્રસંગો પર આધારિત પુસ્તક ‘જીવનનો ધબકાર’ - મારી સ્મરણયાત્રા પુસ્તક વાંચવું ખૂબ જ ગમશે.
પ્રકાશક
રત્ના પિન્ટર્સ-ભાવનગર