ગઇ! કેટલાંક સમજદાર બહેનો બોલ્યાં પણ ખરાં, ‘ચાલો, આ વાત જવા દો. હવે આના વિશે કોઇ ચર્ચા ના કરશો.’ થોડી વારે બધું શાંત થયું. પરંતુ થયેલો આ સંવાદ મારા હૃદયને હચમચાવી ગયો. મનોમન મેં નક્કી પણ કરી લીધું કે ‘ભલે મારી પાસે આંખોનું તેજ નથી પણ બુદ્ધિનું તેજ છે તે સાબિત કરી બતાવું.’ સાહસ શક્તિના વિકાસ ક્ષેત્રમાં આગળ જવાનું પણ મેં નક્કી કર્યું. સામાન્ય બાળકો જે રમતો જે રીતે રમતા તેવી બધી જ રમતો હું તે બાળકો સાથે રમતો. આજુ-બાજુના વિસ્તારમાં અને પછી ગામમાં જાતે અવર-જવર કરી મોટું મિત્રવર્તુળ ઊભું કર્યું. બધા જે રીતે જુદી-જુદી પ્રવૃત્તિમાં ભાગ લે તેમ હું પણ જોડાતો. આ બધી પ્રવૃત્તિઓમાં મને મારા સાથી બાળકો પાસેથી ઘણું શીખવા મળતું. દરમ્યાન મારા બાપુજીના ફઇના દીકરા બચુભાઇ લાઠિયા અમારા ઘરે આવતા. મારી સાથે વાતો કરતા, વાર્તાઓ કહેતા, અવનવું શીખવતા. કાચા સૂતરમાંથી તેઓ દોરડાઓ વણતા. હું આ બધું જોતો. નવું જાણવા અને શીખવામાં મને ખૂબ રસ પડતો. ગાડાના આગળના ભાગમાં જ્યાં બળદ જોડાય છે તે ભાગમાં લગાડવામાં આવતું લાકડું, જેને આ લોકો માંકડી કહેતા. આ માંકડીનો તૂટેલો એક કટકો જેમાં દોરી બાંધી શકાય તેવો એક હૉલ હતો. બચુદાદા જે દોરડા વણતા હતા, તેમાંથી એક દોરીનો ટુકડો પેલા લાકડાના હૉલમાં બાંધી અને દોરીનો બીજો છેડો તેણે મારા હાથમાં આપ્યો. એમણે કહ્યું કે, ‘જા આ સાંઢિયો ચલાવ.’ હું દોરીનો છેડો પકડી, આ લાકડાનો ટુકડો ઢસડતો હોઉં ત્યારે બધા કહે, ‘સાંઢિયો ચલાવે છે.’ મેં એકવાર દાદાને પૂછ્યું, ‘દાદા, આ સાંઢિયો છે?’ દાદાએ કહ્યું, ‘હા, આ સાંઢિયો છે.’ મેં કહ્યું, ‘દાદા, તે જાતે કેમ ચાલતો નથી ?' દાદાએ કહ્યું, ‘તેમાં જીવ નાખવો પડે.’ હું બોલ્યો, ‘તે ક્યાં મળે ?' દાદાએ કહયું, ‘ભગવાનને એક કાગળ લખવો પડે.’
હું એક કાગળ લઇને આવ્યો. દાદાના હાથમાં કાગળ આપી કહ્યું: ‘દાદા, લખી આપો. મારે એક જીવ જોઈએ અને સાંઢિયો દોડે તે મારે જોવું છે.' દાદાએ