લખાણ પર જાઓ

પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તેમણે જીવનપર્યંત પક્ષના વફાદાર કાર્યકર તરીકે કૉંગ્રેસ પક્ષમાં અનેક સેવાઓ પ્રદાન કરી હતી. તેમણે રોજગારવાંછુ યુવાવર્ગને પ્યનથી માંડી ડૉકટર સુધીની નિમણૂક અપાવવામાં મહત્ત્વનો સહયોગ આપી, અનેક લોકોને પ્રસ્થાપિત કર્યા હતા. રાત્રિના ૮ થી ૧૦ તેમની પાસે જુદા-જુદા પ્રશ્નોની રજૂઆત માટે લોકો નિયમિત આવતા, અનેક ચર્ચાઓ થતી. તેમની પાસેથી હંમેશાં નવા ઉકેલ અને માર્ગદર્શન લોકોને મળી રહેતાં. આવેલા લોકો સંતોષ સાથે પોતાના ઘરે જતા. આવી પરામર્શ સભાનો મને હંમેશાં લાભ મળતો. શાળામાં વેકેશન કે રજાના દિવસો હોય ત્યારે એક પણ દિવસ પાડ્યા વગર હું આવી તક અચૂક મેળવતો. આ સભા દરમ્યાન ધર્મની પણ અનેક ચર્ચાઓ થતી. પિતાશ્રી હંમેશાં માનવધર્મ અને માનવ સેવા પર ભાર મૂકતા. મને પણ તેમની વાતો ખૂબ ગમતી. આખો દિવસ આવેલા લોકોને ચા-પાણી પીવડાવવાનું કામ મારાં ભાભી ખૂબ ઉત્સાહથી કરતાં. તેમણે મને હંમેશાં માતાની જેમ સ્નેહ સાથે ઉછેર્યો છે. મારી નાની-મોટી તમામ કાળજી લેતાં. તેઓ પોતાનાં બાળકોને જે ખવડાવે તે બધાંમાં મારી પણ ગણતરી થતી. તેમને પણ હું સલામ કરું છું. મારા ઘડતર પાછળ આ બધા પરિવારના લોકોની ખૂબ કૃપા રહી છે. ચૂંટણી સમયે રેડિયો સમાચારનું ઉત્તમ માધ્યમ હતું. અમારે ત્યાં રેડિયો ચોવીસ કલાક ચાલે. મતગણતરી સમયે અમારું ઘર માહિતી મેળવવાનું કેન્દ્ર બનતું. જાત-જાતના લોકો આવીને મનઘડત વાતો અને અનેક ચર્ચાઓ કરતા. આ બધું મારા કાને પડતું રહેતું. તેથી સાચી ખોટી વાતોનું વિશ્લેષણ કરવાની શક્તિ મારામાં વિકસી. મારા માનવા મુજબ અનુભવ જીવનની સૌથી મોટી પદવી છે, જે કોઈપણ શાળા, કૉલેજ કે યુનિવર્સિટી ન આપી શકે. વ્યકિતગત ઘડતર માટે તેમને મળેલા અનુભવો ખૂબ અગત્યના હોય છે. જેમ મુસાફરને સાથે બાંધેલું ટિફિન ભૂખ લાગે ત્યારે ભોજન માટે ખપ લાગે છે તેમ અનુભવ દ્વારા મળેલું

શિક્ષણ વિપરીત પરિસ્થિતિમાં તેમનો સામનો કરવા ટેકો આપે છે, શકિત આપે

[૩૪]