પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ વિકલાંગ બાળકોનાં શિક્ષણ કાર્યક્રમને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. પ્રાથમિક શાળાના સંખ્યાબંધ શિક્ષકો, આચાર્યોના તાલીમી કાર્યક્રમોમાં પણ ડિસેબિલિટી મેનેજમેન્ટ અંગે અનેક વાર્તાલાપો કર્યા છે. જેના પરિણામે વિકલાંગ બાળકોનાં શિક્ષણ, તાલીમ અને પુનઃવસનને ઠીક-ઠીક ટેકો મળ્યો છે. દેશભરમાં આવા સેંકડો કાર્યક્રમો અને કાર્યકરોની જરૂર છે. ભાવનગર શહેર અને જિલ્લો વિકલાંગ વ્યકિતઓનાં શિક્ષણ, રોજગાર, તાલીમ અને પુનઃવસનનું આદર્શ સેવાકેન્દ્ર બની રહે તેવી નેમ છે. અનેક સ્વપ્નાં મેં મારી જિંદગીમાં જોયાં છે. તેમાં સૌથી મોટું સ્વપ્ન વિકલાંગોના સર્વાંગી વિકાસનું કેન્દ્રસ્થાન ભાવનગર શહેર ભારતભરમાં વર્ષો સુધી બની રહે તે છે. દૃષ્ટિના અભાવે અન્ય વ્યક્તિ પર આધારિત જીવન જીવવા દૃષ્ટિહીન વ્યક્તિ અવલંબિત બનવાને બદલે અસરકારક તાલીમ, ટેક્નોલોજી, સહાયક સાધનો અને ઉપકરણોથી સુસજ્જ બની સામાજિક સેવાનું એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ નેતૃત્વ લઇ, તેમના જીવનમાં આવેલો પડકાર ઝીલવા સક્ષમ અને સબળ બની સમાજનું અભિન્ન અંગ પુરવાર થઈ રહે તેવી અંતરની ભાવના છે. રચનાત્મક સામાજિક વિચારધારા માટે અવનવાં શીર્ષક નીચે પ્રતિવર્ષે કાર્યક્રમો આપવાનો મારો યત્ન રહે છે. “ઓલવાયાં અંધારાં ને ચમક્યા સિતારા” અંધારું પોતે જ પ્રકાશે ગુમાવેલી સ્થિતિનું સ્વરૂપ છે. તેથી તેને ઓલવાવાનું જ નહીં કાળામાં કાળું ટપકું કરો તો તે દેખાય નહીં. જેથી એમ કહી શકાય જેનું અસ્તિત્વ નથી તેને મિટાવવું. પોતે જ અંધારું અને એ જ અંધારાને ઓલવવું-આ વિચાર જ્યારે મારા મનમાં આવ્યો ત્યારે જ મને આ ઉક્તિ હૃદયસ્પર્શી બની ગઇ.

સ્થૂળ આંખોનો અંધાપો એટલે ઓલવાયાં અંધારાં. આંખોથી કશું ન દેખાવું એ અંધાપો જ નથી. સગી આંખે જે લોકો દૃશ્ય જોયા પછી પણ તેને સમજી શકતા નથી, તે જ સાચો અંધાપો છે. આ સ્થળ આંખોમાં આવેલો

અંધાપો જાણે ઓસરી ગયો, ઓલવાય ગયો. એવું જ્યારે મને લાગ્યું, એવો

[૫૩]