પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ્યારે મને અહેસાસ થયો ત્યારે એ શબ્દને મેં એક શીર્ષક તરીકે સ્વીકારી, મારા જીવનને એક આદર્શ સંદેશરૂપ લેવા. ‘ઓલવાયાં અંધારા’ શીર્ષક પસંદ કર્યું. શીર્ષકનો બીજો ભાગ ‘ચમકયા સિતારા’ સમજવું અઘરું નથી કારણ કે જેમણે સ્થૂળ આંખોમાં આવેલો અંધાપો ભૂલી જઇ સિતારારૂપ પોતાની તેજસ્વિતા સમાજ સામે પાથરી પોતાની જ્ઞાનશકિતને પ્રજ્જવલિત કરી છે, તે તમામ સિતારા છે. આવી ઉમદા વિચારધારા દ્વારા સમાજને પ્રત્યેક દૃષ્ટિહીન પ્રત્યે સિતારારૂપ સ્વીકૃતિ સાથેના દૃષ્ટિકોણથી વર્તવા અને વ્યવહાર કરવા શાબ્દિક શીર્ષકમાં અનુરોધ છે.

આ અને આવાં બીજાં ઘણાં શીર્ષકો દ્વારા સમાજરૂપી ભૂમિ પર અંધશાળારૂપી આવેલ વિશિષ્ટ ખેતરમાં વિચારોની ખેતી દ્વારા આવતાં અવનવાં. ફળોનો સ્વાદ આમલોકોને કરાવવા બીજાં અનેક શીર્ષકો પણ આપ્યાં. જેવા કે “ચાલો, બતાવું મારી આંખ વિનાની દુનિયા” આંખો નથી અર્થાત્ સ્થૂળ આંખોમાં તેજ નથી પણ મારા વિચારોનું તેજ છે તે-ચાલો બતાવું. બીજું શીર્ષક “આંખ વિનાના અનોખાં અજવાળાં” જે બાળકોને કે વ્યકિતઓને સ્થૂળ આંખોના પ્રકાશનો કોઇ લાભ મળતો નથી પરંતુ તેમના અંતરમાં આવેલી આંખોનાં અનોખાં અજવાળાં એટલે કે જેમણે આંખોની રોશની કોઇ કારણસર ગુમાવી છે અથવા તેનાથી વંચિત છે, તેવા લોકો દૃઢ મનોબળ અને સંકલ્પશક્તિ જેવી આંખો વડે કેટ-કેટલું નિહાળી શકે છે ! તેમના દૃષ્ટિપાત સમજવા અને જાણવા સમાજને આમંત્રણ આપી, વિશાળ માનવ સમુદાય વચ્ચે પોતાની શારીરિક ક્ષતિના કારણે કોઇ વ્યક્તિને વિવશ જીવન જીવવા મજબૂર ન બનવું પડે તેવાં વૈચારિક બીજોનું ઉત્પાદનકેન્દ્ર કૃષ્ણકુમારસિંહજી અંધઉદ્યોગ શાળા, રાષ્ટ્રીય અંધજન મંડળ - ભાવનગર જિલ્લા શાખા કે અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ જેવી સંસ્થાઓ બની ઉત્તમ સમાજ રચનાના પાવન કાર્યમાં યોગદાન આપતા રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના...