પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જેવો આનંદ મળે તેવા આનંદની ઘડી અમારા માટે હતી. રાત્રિના કોર્ટ પતાવી અમારા ફૂવા વી. કે. શાહ આવ્યા. તેમને આખો કેસ સમજાવ્યો. તેમણે ખૂબ શાંતિથી મારી બધી વાતો સાંભળી પછી તેમણે એક જ લીટીમાં કહી દીધું : ‘આમાં કંઇ થશે નહિ. નોકરીના પૂરા નેવું દિવસ પણ થયા નથી. તેથી કંઇ થઇ શકે નહિ.’ તેમ કહી ફૂવા તેના રૂમમાં ગયા. ઉમેશભાઇ નાંદવાએ મને પૂછ્યું : “હવે આપણે શું કરવું છે? કાલે સવારે ભાવનગર નીકળી જવું છે ?” કહ્યું : “ઉમેશભાઈ, આપણે તેમના બંગલાનો એક દિવસ રહેવા માટે ઉપયોગ કરવાનો છે. તેમની સલાહ લેવા આવ્યા નથી. તેમની વાતો સાંભળવાની હોય. આપણે જે કરવું છે તે કાલે થશે.” બીજા દિવસે અગિયાર સુધીમાં અમે નવા સચિવાલય બ્લોક-૫ માં આનંદીબેનની ઑફિસમાં પહોંચી ગયા. આનંદીબેનનો રૂઆબ જોઇ ભલભલાના ટાંટિયા થથરી જાય. તેઓ મુલાકાતીઓને જેમ-તેમ ધકેલતાં હતાં. ભાજપના કાર્યકરોને પણ સાંભળતા ન હતા. કાર્યકરોને તે ખખડાવી નાખતા હતા. મારો નંબર આવે ત્યારે શું થશે ? તેની ચિંતા સામાન્ય માણસને સ્વાભાવિક થાય, પરંતુ મારા અર્ધજાગૃત મનની અગાધ શક્તિના કારણે તે ડર મારામાં ક્યાંય ડોકિયાં કરી શક્યો નહિ. હું બહેન સુધી પહોંચી ગયો. કેસની વિગતસર વાત કરી, શિક્ષણમંત્રી આનંદીબહેને ભારે અચરજ સાથે તેના પી.એ. ને બોલાવી રિનિમણૂક કરવાનો આદેશ કરવા સૂચના આપી. અમારું કામ થઇ ગયું. અમે પી. એ. ને મળ્યા. મેં પી. એ. ને કહ્યું : ‘આનંદીબેને અમને રૂબરૂ ઑર્ડરની નકલ આપવા કહ્યું છે - સાથે તમારો નંબર પણ અમને જરૂર આપશો. જેથી, ભાવનગર જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષણ અધિકારી કોઇ પણ જાતની આના-કાની કરે તો આપનું ધ્યાન દોરી શકાય.” અડધો કલાકમાં અમારા હાથમાં ઑર્ડરની નકલ આવી. મેં ઑડર વાંચી પણ લીધો. તેમાં અઢાર દિવસની નોકરીમાં આવેલ વિક્ષેપનો કોઇ ઉલ્લેખ ના

હતો. ફરી પી.એ. ને મળ્યો. અઢાર દિવસ સરભર કરી આપવા મેં બહેનને

[૫૯]