પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છું. ગુજરાત અપંગ સંસ્થા સંચાલક સંઘના બેનર નીચે યોજાયેલ આ રેલીની નોંધ દેશભરના અખબારો અને વિજાણુ માધ્યમોએ લીધી. રેલીનું નેતૃત્વ વ્હિલચેરમાં બેસી વરસતા વરસાદમાં હું સફળ રીતે મારા અર્ધજાગૃત મન સાથે જોડાયેલ હજારો મનની શક્તિના કારણે કરી શક્યો હઇશ તેમ હું માનું છું. જે લોકો પોતાના મનની શક્તિનો ઉપયોગ કરી શકતા નથી તે જ ખરા અર્થમાં વિક્લાંગ છે. અમેરિકાનો વૉલ્ટર સમગ્ર શરીરનો નીચેનો ભાગ ખોટો પડી ગયા પછી દૃઢ સંકલ્પ દ્વારા ઑલમ્પિકમાં ઊંચી કૂદમાં સુવર્ણચંદ્રક જીતી શકતો હોય તો તેની પાછળ માત્ર ને માત્ર તેનું અર્ધજાગૃત મન કારણભૂત છે. ‘અપંગોના ઓજસ’ પુસ્તક લખનાર કુમારપાળ દેસાઇ મારા આદર્શ લેખક છે કારણ કે તેમણે આવા ક્ષતિગ્રસ્ત લોકોની શક્તિને ઉજાગર કરી, લાખો લોકોના અર્ધજાગૃત મનને પ્રજ્વલિત કરી, સંકલ્પ શક્તિના દીપકને પ્રગટાવવાનું કામ કર્યું છે. મારી દૃષ્ટિએ કોઇપણ ગાથા જ્યારે લેખક પોતાની કલમે લખવા તૈયાર થાય તે પહેલાં તેઓ જે પ્રસંગ કે કથા લખવા માગે છે તેમાંથી સમાજને શું પ્રાપ્ત થશે તે જરૂર વિચારવું જોઇએ. પુસ્તક કેટલું દળદાર બનાવવું તે વિચારવાને બદલે પુસ્તક વિચારોથી કેટલું સમૃદ્ધ બનાવવું તે વધુ મહત્ત્વનું છે. મારા જીવનમાં મેં ઘણાં પુસ્તકો કે લેખો વાંચ્યાં છે. પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતા પછી જો કોઇ પુસ્તકને મારે સ્થાન આપવું હોય તો હું કુમારપાળ દેસાઇના અપંગોનાં ઓજસને જ આપું, કારણ કે ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કર્મ કરવા વિપરીત પરિસ્થિતિમાં પણ વિચલિત થયા વગર તત્પર રહેવું જોઈએ અને કર્મ કરતાં રહેવું જોઇએ તેમ કહ્યું છે. તે જ વાત ઘણા વિકલાંગોએ પોતાનાં અંગો ગુમાવ્યા પછી દૃઢ મનોબળ દ્વારા કર્મ કરતા રહેવાની જે ચેષ્ટા બતાવી છે, તેને કુમાળપાળ દેસાઇએ પોતાની કલમે ઉજાગર કરવાનો મહાપ્રયત્ન કર્યો છે. તેને હું શત-શત વંદન કરું છું.