પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નામે સોગંદ લઇ અમે સૌ જણાવીએ છીએ કે કદી ખોટું બોલીશું નહીં, કોઇનું ધન ઝૂંટવીશું નહીં, ચોરી કરીશું નહીં, અમારાં માતા-પિતાને કલંક લાગે તેવું કોઇ કામ અમે કરીશું નહીં.’ આ બધા વાક્યો ગુરુજી બોલતા હતા ને મારા બંને ભાઇઓ અને એક બહેન પાછળ-પાછળ બોલતાં હતાં. ગુરુજી છેલ્લે આવતા નહીં શબ્દ પર ભાર મૂકતા હતા. ‘નહિ’ શબ્દ જે વાક્યના અંતમાં દરેક વાર ગુરજી બોલતા તે શબ્દ આખા વાક્યનું હાર્દ હતો. તે બરાબર બોલવાને બદલે જાણે કે શબ્દ બધા ગળી જતાં હતાં. હું એકલો હરવખતે મોટેથી બોલતો. વિધિ દરમ્યાન મને એમ પણ થતું હતું કે આ લોકો ગુરુજી નહિ શબ્દ બોલે છે તેનો ઉચ્ચાર કેમ કરતા નહિ હોય ! હું મોટો થયો પછી મને આ વાત સમજાઇ કે ‘નહિ’ બોલવાથી આખા વાક્યનું બંધન વ્યક્તિને લાદી જાય છે. અર્થાત્ જે તે સંકલ્પ સાથે વ્યક્તિની પ્રતિજ્ઞા જોડાય છે. તેથી આવા શબ્દો મહદ્અંશે લોકો ગળી જવાનું પસંદ કરે છે. આપણા દેશમાં વિધાનસભાઓ, લોકસભા, રાજ્યસભા, રાજ્યમંત્રી મંડળ કે કેન્દ્રીય મંત્રી મંડળમાં જે સભ્યો શપથ વિધિમાં જોડાય છે. તે મારા બંધુઓની જેમ જ કરતાં હશે તેમ હું માનું છું, એટલે જ કદાચ આઝાદીનાં આટલાં વર્ષો પછી હજુ આપણે ભષ્ટ્રાચારના ભીષણ ભાર નીચે દબાયેલા છીએ. કામચોરીના દૂષણના કારણે આપણે ધારી પ્રગતિ કરી શકતા નથી. જેમણે અમારો કાન ફૂંકવાનું વિધિવત્ કામ કર્યું હતું. તે ગુરુજી વિશે મારે કંઇક ચોક્કસ પ્રકાશ પાડવો છે. તે લોકોમાં અંધશ્રદ્ધા ફેલાઇ તેવા અવનવા નુસખાઓ કરતા. જેવા કે હથેળીમાંથી કંકુ પાડવું, સાકર બનાવવી, કાચના ટુકડા ખાવા, આવા અનેક નુસખા કરીને લોકોને પ્રભાવિત કરતા. મને આ બધી વાતો ગળે ન ઊતરતી. કોઇવાર ગુરુજીને મળવાનું થતું ત્યારે હું કહેતો : ‘કંકુ પાડો ને !’ તેઓ કહેવા મુજબ કદી કંકુ પાડતા નહિ, લોકોનું મોટું ટોળું હોય ત્યાં જઇ અચાનક કંકુ પાડવાનો હંમેશાં પ્રયોગ અજમાવતા. લાંબી તપાસ બાદ હું એ

રહસ્ય ઉકેલી શક્યો. તેઓ કંકુની અગાઉથી બનેલી ટીકડીઓ આંગળીના

[૬૪]