પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોલાણમાં દબાવી રાખતા. આંગળીના પ્રેશરથી તેમાંથી કંકુ પાડવાનું નાટક કરતા. જે ગુરુ અન્યને દીક્ષા આપે છે અને પોતાના અસ્તિત્વ માટે આટલા મોટા નાટકો રચે છે, તેના શિષ્યો તેનાથી પણ મોટાં નાટકો ભજવી શકે તેવા આપમેળે - પાવરધા બને છે. આપણા દેશવાસીઓની આવી માનસિકતાના કારણે આપણા લોકનેતાઓમાં નિષ્ઠાનો અભાવ, ભષ્ટ્રાચાર કે દુરાચાર જેવા અવગુણો નીપજે છે, તેમ હું માનું છું. આપણા રાષ્ટ્રપિતા ગાંધીબાપુ સત્યના આગ્રહી હતા. તેમણે જીવનપર્યંત કદી અસત્યનો સહારો લીધો નથી. શાળામાં જ્યારે તેઓ ભણતા હતા ત્યારે એક ઇન્સ્પેકશન દરમ્યાન ગાંધીજીએ એક જોડણી ખોટી લખી હતી. ગાંધીજીના શિક્ષકે તે જોડણી બાજુના વિદ્યાર્થીની નોટમાં જોઇ સુધારી લેવા બૂટની અણી મારી, પરંતુ બાપુએ તેના પર ધ્યાન આપ્યું નહીં. આજે વિશ્વભરના ખૂણે-ખૂણામાં ગાંધીજીને મહાપુરુષ તરીકે પૂજવામાં આવે છે, પરંતુ નોટમાં ખરી જોડણી લખનાર ગાંધીજીની બાજુમાં કોણ વિદ્યાર્થી હતા તેની કોઈને ખબર પણ નથી અને તેને કોઇ ઓળખતું નથી. બાપુની પ્રામાણિકતા, નિષ્ઠા અને સત્યાપ્રિયતાને કારણે મહાપુરુષ બની શક્યા. તેમને કોઈ દીક્ષા ગુરૂની કાનમાં મરાયેલ ફૂંક મહાન બનાવવામાં ઉપયોગી બની નથી, હું સમજુ છું કે જેની પાસેથી કંઇક શીખવા મળે તે દરેક આપણા ગુરુ ગણાય અને મારા દીક્ષા ગુરુ પાસેથી શીખવા એ મળ્યું કે કંકુની ટીકડીઓ દ્વારા પણ હથેળીમાંથી કંકુ પાડી લોકોને પ્રભાવિત કરી શકાતા હોય તો અંતરમાંથી ઝરતાં અમી દ્વારા સૌ કોઇને ભીંજવી, આપણે જરૂર રસતરબોળ કરી જ શકીએ અને રસતરબોળ થયેલ પ્રત્યેક વ્યક્તિ આપણા દરેક કાર્યોમાં ખભા સાથે ખભો મેળવી અવશ્ય કામ કરે. મારી દૃષ્ટિએ ગુરુ માત્ર વિદ્વાન વ્યક્તિને જ બનાવી શકાય તેવું નથી. જેમના મુખમાંથી આપણો જીવન ઉપયોગી સંદેશ આપણને પ્રાપ્ત થાય તેવા પ્રત્યેક પાત્રને ગુરુ સ્થાને બેસાડી શકાય. એમ કહો કે આવા વ્યક્તિને આપણા ગુરુ સમજી તેમની પાસેથી મળેલ