પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીજો પ્રસંગ ભાવનગર અંધ ઉદ્યોગ શાળાના સંચાલન દરમ્યાન આવ્યો. શાળામાં વિદ્યાર્થીઓની હડતાલ ચાલતી હતી. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ શાળાના સંચાલકો સામે કેટલાક પ્રશ્નો ઉકેલવા ઉગ્ર આંદોલન છેડ્યું હતું. આ વિદ્યાર્થીઓને બાહ્ય બેક અપ હતું. એક પોલીસ અધિકારી ચાવડાસાહેબ વિદ્યાર્થીઓની રજૂઆતને લઇ પ્રશ્નોના ઉકેલ માટે અમારી પાસે આવ્યા. શાળાના ટ્રસ્ટીઓ સાથે તેમણે એક બેઠક કરી. ખૂબ વિગતે વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે છણાવટ થઇ. પ્રશ્નો સામાન્ય અને નજીવા હતા. પોલીસ અધિકારી ચાવડાએ કહ્યું: ‘આટલા નાના પ્રશ્નો માટે વિદ્યાર્થીઓને આટલું મોટું આંદોલન કેમ કરવું પડે?’ મેં કહ્યું: ‘સાહેબ, બાહ્ય બેક અપ છે.’ ચાવડાસાહેબે કહ્યું: ‘બહારના લોકો વિદ્યાર્થીઓને તમારી સામે લડવા આટલા ઉગ્ર કરી શકે, પોતાના કહ્યા મુજબ બધું કરાવી શકે તો તમારી પાસે ચોવીસ કલાક રહેતા વિદ્યાર્થીઓને તમે કેમ સમજાવી શકતા નથી?’ આ વાત મને સ્પર્શી ગઇ. તે દિવસથી મેં વિદ્યાર્થીઓના વિકાસ માટે કોઇ કસર છોડવી નહીં. જાત ચાલે ત્યાં સુધી કામ કરી વિદ્યાર્થીઓના દિલ જીતી લેવા-જેવા અનેક સંકલ્પો પાર પાડવા નિશ્ચય કરી લીધો. તે માટે જે કંઇ કરવું પડે તે કરતાં રહેવામાં મેં આજ દિન સુધી પાછુંવાળી જોયું નથી. હું મારા શિક્ષા ગુરુ અને દીક્ષા ગુરુને અંતઃકરણપૂર્વક વંદના કરું છું.