કાર્યો પર વધુ ભાર મૂકવામાં આવતો. ૧૯૭૭માં જ્યારે મારો વિદ્યાર્થી તરીકે શાળામાં પ્રવેશ થયો ત્યારે મારો ક્રમ ૩૩મો હતો. તે જ વર્ષે બીજા ત્રણ ચાર વિદ્યાર્થીઓ પણ દાખલ થયેલા. બધું મળી માંડ તે અંક ૩૭ સુધી પહોંચ્યો હતો. આ ઉપરાંત સાત-આઠ બહેનો તે વખતે શાળામાં શિક્ષણ મેળવતી હતી. એક દિવસ વહેલી સવારે વિદ્યાર્થીઓને ઊઠવા માટેનો બેલ પડ્યો. હૉસ્ટેલમાં રહેતા દરેક વિદ્યાર્થીને વહેલી સવારે ઊઠવા સવારના છ કલાકે નિયમિત બેલ પડતો. ઊઠ્યા બાદ દરેક વિદ્યાર્થી નીચેની લોબીમાં લાઇનમાં ઊભા રહી, નરસિંહ મહેતાનું પ્રભાતિયું ‘જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે?’ ભારે ઉતાવળથી વિદ્યાર્થીઓ ગાઇ જતા. કોઇવાર રસ્સી ખેંચની સ્પર્ધામાં જેમ સ્પર્ધકો જોર લગાવે તેવી ખેંચાખેંચી પ્રભાતિયામાં થઇ જતી. આ પ્રભાતિયાને વિદ્યાર્થીઓ સવારની પ્રાર્થના કહેતા. એક દિવસ આવી પ્રાર્થનામાં બેલના અવાજ સાથે ઊઠી હું લૉબીમાં પહોંચી ગયો. પૂરી ઊંઘ ઊડી હોય કે નહિ તેની પણ ખબર નથી. પ્રાર્થનાની બે-ત્રણ લાઇન પૂરી થાય તે પહેલાં હું ધડાક દઇને નીચે પડ્યો. બધાને હસવાનું સાધન મળ્યું. તે ઘટનાએ મને વિચાર કરતો કરી દીધો. મને થયું: ‘સવારની પ્રાર્થના આ રીતે કરવાની હોય? કોઇ બ્રશ કે દાતણપાણી પણ કર્યા ન હોય, મોં પર પાણીની છાલક પણ લાગી ન હોય અને કૂતરાને ખેંચે તેમ ખેંચાખેંચ કરી, પ્રાર્થના ગાઇ જવી એ તે કંઇ શાળા છે !’ પરંતુ તે સમયે તેમાં ફેરફાર કરવો મારા માટે અશક્ય હતું. ત્રણ-ચાર વર્ષના સહવાસ અને અભ્યાસ પછી હું શાળામાં વિદ્યાર્થીઓના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાઇ આવ્યો. જી. એસ. થવાની સાથે જ મારા મનમાં પડેલો વિચાર સળવળી ઊઠ્યો. મેં વિદ્યાર્થીઓની મીટિંગ બોલાવી હ્યું: ‘આવતી કાલે સવારે છ કલાકે ઊઠવાનો બેલ પડશે ને બરાબર એક કલાક બાદ સાત વાગે પ્રાર્થનાનો બેલ પડશે.
પ્રાર્થના હોલમાં બેસીને સંગીતના સાધનો સાથે લય, તાલ અને રાગ સાથે