પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કાંઈ પણ સાંભળ્યા વિના મારા હાથમાં રૂપિયા અગિયારસો મૂક્યા અને કહ્યું : ‘આટલી નાની ઉંમરે આવું સાહસિક કામ કરવા બદલ તને અભિનંદન આપુ છું! ઉદ્ઘાટનમાં હું નહિ આવું પણ કોઇવાર શાળામાં જરૂર આવીશ. ઉદ્‌ઘાટનમાં મારા મિત્ર ટપુભાઇ પટેલ આવશે.’ મેં કહ્યું : ‘તેઓ મારા પિતા છે. તેઓ અચરજ સાથે ખુશ થતા બોલ્યા : ‘આ માટે વધુ પૈસાની જરૂર પડે તો મને અવશ્ય કહેજે.’ ડૉનેશન મેળવવા માટેનું મારું આ પ્રથમ કાર્ય હતું. તે વખતે આટલી રકમ ભેગી કરવી સૌ કોઈને માટે ઘણું કઠિન હતું. હું મારા જીવનમાં પરિવર્તનો કરવા હંમેશાં ટેવાયેલો છું. તેના પરિણામે આજે શાળા જે પ્રગતિ કરી રહી છે. તેમાં અવનવા કાર્યક્રમો દ્વારા શાળાને ચેતનવંતી બનાવવા ખાસ કરીને કર્મચારી વર્ગનો મને જે સહયોગ સાંપડે છે, તે હું કારણભૂત સમજુ છું. આ પુસ્તકમાં મેં અવાર નવાર કહ્યું છે કેઃ ‘શિક્ષણ વર્ગખંડનો ઇજારો નથી. અનુભવ-રૂપી શાળામાં મળતું શિક્ષણ એ જ સાચું શિક્ષણ છે.’ મને આવું શિક્ષણ મેળવવાની ભવ્ય તક મળી છે. મારા સાહસિક કાર્યમાં ઘણા મિત્રોનો અને પરિવારનો સહયોગ મળતો રહ્યો છે. મારો ભાણેજ અશ્વિન આ માટે મને હંમેશાં યાદ રહેશે. કોઈપણ કપરા કાર્યો જ્યારે તેમને સોંપતો ત્યારે હંમેશાં તે સફળતાપૂર્વક પાર પાડી આપતો. તેમનું વ્યકિતત્વ અજોડ અને પ્રભાવશાળી હતું. ઘણીવાર મારે કોઇને મળવા જવાનું હોય તો તેને સાથે લઇ જતો. ગમે તેવી ભીડ હોય, રસ્તો કપરો હોય કે વાતાવરણ તંગ હોય, ગમે તેવી સ્થિતિમાં નીડરતાથી તે મારા કાર્યને સફળ બનાવવા હંમેશાં મારી સાથે રહેતો. તેને કૉમ્પ્યુટરનો પણ સારો મહાવરો હતો. મારા આંદોલન કાર્યમાં જ્યારે પ્રસાર - પ્રચારનું કામ ગણતરીની મિનિટોમાં પાર પાડવાનું હોય ત્યારે તેમણે હંમેશાં ચેલેન્જ ઉપાડી છે, એટલું જ નહીં જે–તે સમયે મીડિયા અહેવાલ પ્રસિદ્ધ કરી શકે

તે રીતે મીડિયા સુધી પહોંચાડવાના કાર્યમાં પણ તેમણે સાથ આપ્યો છે.

[૭૩]