પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગાંધીનગરની મહારેલીમાં બનેલી તમામ વિગતો ભાવનગરની ઑફિસમાં બેસી તેમણે મેળવી, અહીંના લોકલ છાપાઓ અને ચેનલો સુધી પહોંચાડી મીડિયામાં પ્રસિદ્ધ કરવા મૂલ્યવાન યોગદાન આપ્યું હતું, જ્યારે સરકાર સામે વિકલાંગોના વિવિધ પ્રશ્ને ભારે ચળવળ ચાલતી હતી તેવા સમયે અચાનક સત્તરમી ઑગસ્ટ ૨૦૧૧ ના રોજ તીવ્ર હૃદયરોગના હુમલામાં તેમણે મારો અચાનક હંમેશને માટે સાથ છોડ્યો. જે ખોટ મને જીવનપર્યંત રહેશે. અચાનક અશ્વિનના ગયા પછી મારાં પત્ની નીલા અને દીકરી નિષ્ઠા અને જરૂરી સહકાર અને સહયોગ આપી હૂંફ આપવાનું કાર્ય કરે છે. અશ્વિનના ગયા પછી આ લોકોની નૈતિક હિંમત મળવાને કારણે મેં આંદોલનને જરા પણ નબળું થવા દીધું નહિ. ૩જી સપ્ટેમ્બરે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સામે ધરણા કર્યા. ૧૪ સપ્ટેમ્બરે ભાવનગર તખ્તેશ્વર મંદિર રામધૂન થઇ. જ્યારે ૧૭મી સપ્ટેમ્બરે અમરેલી ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાયો. ૧૯મી સપ્ટેમ્બરે ફરી વખત ભાવનગર ઘોઘાગેઇટ વિકલાંગ સમસ્યાની સંસદ યોજી, સરકાર સામે ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો. બાદ ૩૦, સપ્ટેમ્બરના રોજ સિદ્ધિ વિનાયક ગણપતિના મંદિરે કાળિયાબીડ ખાતે સરકારને વિકલાંગોના પ્રશ્ને વિઘ્નહર્તા ગણપતિ બુદ્ધિ આપે તેવા હેતુસર મહાહવન યોજાયો, જેમાં પાંચ હજારથી વધુ લાડુ હોમી ગણપતિની આરાધના કરી કે અમદાવાદ ખાતે યોજાનાર બે થી છ ઑક્ટોબર પાંચ દિવસના ન્યાય ઉપવાસને સફળતા મળે. વિકલાંગોના પ્રત્યેક પ્રશ્નોનું નિવારણ થાય.

૨ ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે ટાઉન હોલ એલિસબ્રીજ અમદાવાદ ખાતે પાંચ દિવસના ન્યાય ઉપવાસનો પ્રારંભ થયો. આ પ્રસંગે બહોળી સંખ્યામાં રાજકીય નેતાઓ, સંસ્થાના સંચાલકો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, પત્રકાર ઊમટી પડ્યા. માનનીય શ્રી શક્તિસિંહ ગોહિલ, નરહરિ

અમીન, ગોરધનભાઇ ઝડફિયા, મનીષ દોશી, અશોક પંજાબી-જેવા અનેક

[૭૪]