તેમણે મને હંમેશા હિંમત આપી કાર્ય કરવા પ્રેરિત કર્યો હતો. મારા અને અમારા સૌના તેઓ વડીલ હોવા છતાં તે હંમેશાં અમારી સૌ સાથે નમ્રતાથી અને શિસ્તબદ્ધ રીતે સંબોધન સાથે વાત કરતા, તેમના આ પ્રકારના સ્વભાવથી કુશળ વહીવટકર્તા - માટે જરૂરી એવા સમતાના ગુણનો વિકાસ મારામાં થયો છે તેવું હું માનું છું.
એક દિવસ હું ઑફિસે આવવા તૈયાર થઇ ગયો હતો, દરમ્યાન મેં લટકાવેલ મારા શર્ટના ખિસ્સામાં મૂકેલી સોની નોટ અચાનક કોઇ લઇ ગયું. મારી પાસે આવવા જવાના ખર્ચ માટે રાખેલ એ માત્ર સો રૂપિયાની નોટ હતી. હું ચિંતામાં પડી ગયો. ઑફિસે જવાનો સમય થઇ ગયો હોવાથી મ્યુનિસિપાલિટીની બસ પકડવી જરૂરી હતી. મેં વગર પૈસે ઘરેથી નીકળી જવાનું નક્કી કર્યું. તે વખતે મ્યુનિસિપાલિટીમાં પ્રજ્ઞાચક્ષુ વ્યકિતને મુસાફરી વિનામૂલ્યે કરવાની મંજૂરી હતી. હું તરસમિયાથી તળાવ અને તળાવથી ભાંગલી ગેઇટ બસ બદલી પહોંચી ગયો ! મંડળની ઑફિસમાં પહોંચતાંની સાથે અમારા વડીલ શાંતિદાદાને બધી વાત કરી. દાદાએ વાત સાંભળી એક જ સેકન્ડમાં મારા હાથમાં સો રૂપિયાની નોટ મૂકી કહ્યું - ‘ચિંતા નહીં કરવાની. આવું જીવનમાં અનેકવાર બનશે. જે જાય તેને ભૂલી જાવ, જે સામે છે, જે તમારા હાથવગું છે તેનો ઉપયોગ કરતા શીખો.’ દાદાએ સો રૂપિયા ક્યારે અને કેવી રીતે મારે પરત કરવા તે વિશે કશું જ ન કહ્યું. તે સમયે સો રૂપિયાની ઘણી મોટી કિંમત હતી. મારા માટે આ પ્રસંગ જીવનપર્યંત પ્રેરણા પૂરી પાડે તેવો હતો. સંવેદના શબ્દ શાળાકાળ દરમ્યાન ઘણી વખત સાંભળ્યો અને વાંચ્યો પણ હતો, પરંતુ આ જીવનનો પ્રથમ એ દિવસ હતો કે જે દિવસે સંવેદના વિશે મને સાચી સમજ મળી. જેની સાથે મારે કોઇ લોહીનો સંબંધ ન હતો. તે દાદાએ
કોઇપણ ઓળખ વિના એક ઘડીનો વિચાર કર્યા વિના, મને પૈસા વગર