પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જુઓ ને, હું તમને એક ખાનગી વાત કહું. અનવરખાં પઠાણને ફાંસી અપાઈ તે દિવસે અમારી ઑફિસમાં એક-બે રાજકેદીઓ આવેલા, તેમનાં મોં પર લખાયેલી એક વાત મેં ધારીધારીને વાંચી કાઢી હતી. વાત એમ હતી :

ફાંસીની સુરંગની પાસોપાસ થોડાએક ઊંચી કક્ષાના રાજકેદીઓ રહેતા હતા. તમારી ઊંચી વાણીમાં તમે જેને ‘આત્મસમર્પણ’ જેવા કોઈક – મને બુઢ્ઢીને તો બોલતાંય ન શકે તેવા – અઘરા શબ્દથી ઓળખાવો છો ને એવું કશુંક કરી નાખનારા આ મહાપુરુષો હતા. પાષાણ-શાં હૃદયોને પણ પિગાળી નાખે તેવી તો તેમાંના કેટલાકોની વાચાસિદ્ધિ હતી. ગરીબોની હાય પોકારવામાં તોપના ગોળા થકી પણ ન ડરે તેવી તો તેમાંના કેટલાકની દેશદાઝ હતી. જેલના કયા ખૂણામાં કેવા-કેવાં પીડનો ચાલે છે તેની તપાસ કરાવીને કેટલાક તો ગદ્‌ગદિત બની જનારા હતા. પોતાની તુરંગનું ઝાડુ વાળનારા કેદીઓને જો વૉર્ડર ગાળો દેતો, તો તેટલાથી પણ ખળભળી ઊઠીને એ વૉર્ડરોને નસિયત કરાવનારા તેઓ દયાળુ ને માનવપ્રેમી હતા. તેઓ ત્યાં રહેતા, લખતા, વાંચતા, કવિતાઓ ગાતા, પ્રભુની પ્રાર્થનાઓ પણ ફરતા.

એક દિવસ તેઓને જાણ થઈ કે આવતી કાલે અહીં એક ફાંસી દેવાની છે. સાંભળીને સહુ કળકળી ઊઠ્યા. જીવને સાટે જીવ લેવાના એ જંગલી કાયદાઓ તેમ જ એ કાયદાનો અમલ કરનાર ન્યાયાધીશો ત૨ફ તેઓ સર્વેએ ઘણી બધી ઘૃણા દેખાડી.

પણ આગલી રાતે એવું ઠર્યું કે જે પ્રભાતે આપણાથી પચીસ-ત્રીસ જ કદમને અંતરે આ ઘાતકી કૃત્ય થશે તે પ્રભાતના ઘેરા વાતાવરણમાં આપણાથી ખવાશે નહિ, ધાનનો કોળિયો આપણા મોંમાં જશે નહિ, માટે આપણે આખો દિવસ ઉપવાસી રહીશું. પછી વળી ઘણા વિચારને અંતે એમ ઠર્યું કે કંઈ નહિ, સાંજે તો ભોજન લઈશું.

પ્રભાત પડ્યું. ફાંસીનો એ વહેલી પરોઢથી ચાલતો સમારંભ: એ અમલદારોની આવ-જા; એ રસી ઈત્યાદિ સામગ્રીઓની લે-લાવ; હથિયારબંધ પોલીસ-ટુકડીનું ‘હડેટ હોમ’ કરતા-કરતા આવી પહોંચવું; મોટા અધિકારીઓનું પૂર્ણ ગૌરવભર્યું આગમન; ફાંસી ખાનાર કેદીનું મૂગું


92
જેલ ઓફિસની બારી