પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જો આમ કરવાની પરવાનગી ન આપે તો તેના ઉપર ‘અહિંસક’ ગુસ્સો પણ ચડવા લાગ્યો.

એમ કરતાં-કરતાં તો ભાઈ અનવરનો ફાંસી-દિન આવી પહોંચ્યો. અનવરનાં ઈશ્વરભજનોએ આ બધા ભાઈઓ ઉપર ઊંડી છાપ પાડી હતી. એટલે આગલી રાતે વાટાઘાટ થઈ : કે જાણે જુઓ ભાઈ, અનવરને ફાંસી અપાશે સવારના સાડા સાતે; આપણે રોજ ચા-નાસ્તો પણ લઈએ છીએ. સાત બજ્યાની આસપાસમાં. એ તો ઠીક ન કહેવાય. અનવરની ફાંસીને અને આપણી ચાને બેક કલાકનો ગાળો રહી શકે તે રીતે જ આપણે પતાવી લેવું જોઈએ. વારુ ! તો પછી વહેલી પરોઢે જ ચા પી લઈએ. કેમ કે ફાંસી અપાયા બાદ તરત જ તો ચા-નાસ્તો આપણને થોડાં ભાવવાનાં છે ! ઠીક, ત્યારે તો પરોઢિયે જ ઉકેલવું છે, ભાઈ, સહુ ભાઈઓ વેળાસર ઊઠજો.

– ને પછી તો પરોઢિયાની એ ગુલાબી ઠંડીમાં રાજકેદીઓ હૂંફાળી ઓરડીમાં કૂંડાળું વળી બેઠા. વચ્ચે સગડીના અંગારા પણ સહુની સામે હસતા હતા. ચાની કીટલીઓ ફળફળતા પાણીથી ભરાઈ-ભરાઈને આવતી હતી. અંદરથી ‘ચંપાવરણી’ ચા રેડાતી હતી. પ્યાલા પછી પ્યાલા ભરાતા હતા. ટોસ્ટ પછી ટોસ્ટ, માખણનો લેપ ચોપડીને આરોગાતા હતા. અને એ બધાની પછવાડેની જ કોટડીમાં અનવર પઠાણ પોતાના બાકી રહેલા બે-ત્રણ કલાકોને બંદગીમાં વિતાવી રહ્યો હતો.

સૂર્યોદય થયો અને ચા-નાસ્તો ઊકલી ગયાં. સગડીના અંગારા કોણ જાણે શો યે મર્મ કરતા-કરતા મલકાતા હતા. મીઠા-મીઠા ઓડકાર ગાજતા હતા. તે વખતે એ સહુમાંથી સૂતેલા રહેલા એક જ સાથીએ આંખો ઉઘાડી અને સર્વેને મુબારકી દીધી કે “ભાઈ, અનવરની ફાંસી તો તમે બધાએ ઠીક ઊજવી કાઢી, હો !”

પછી તો દરવાજે કાળડંકા બજવા લાગ્યા અને એકાદ કલાક બાદ તો અનવરની સફેદ કપડે ઢાંકેલી લાશ પણ દરવાજે આવીને પડી.

પણ હું તો તને પૂછું છું, ભાઈ રાજકેદી ! કે તારા મોં ઉપર અંકાયેલી એ પરોઢિયાની કથાને હું બરાબર ઉકેલી શકું છું ને ? બીજું મારે એ પૂછવાનું


94
જેલ ઑફિસની બારી