પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 છે, કે તને અત્યારે જે અફસોસ થઈ રહેલ છે, એ તે શું અનવરની કાળઘડીએ તેં ચા-ટોસ્ટની મોજ ઉડાવી તે બદલનો અફસોસ છે ? કે પેલા ભાઈએ ટોણો મારી લીધો તેનો, એટલે કે ઉઘાડા પડી ગયાનો તને અફસોસ છે ? ઓ મારા બચ્ચા ! હવે દિલ બાળવું છોડી દે અને કબૂલ કરી લે કે તમે સહુ દયા, કોમળતા અને લાગણીનો વેશ કરનારાઓ અંદરખાનેથી તો અમારા જેવા જ કઠોર કાળજાંના છો; તમારા નિસાસા, હાહાકારો અને આંસુની ધારો એક જાતના પોપલાવેડા જ છે. હું જીવતી રહું ને કોઈક કાળાન્તરે તમ માયલા કોઈ અહીંનો કારભાર કરવા આવે, તો મારે ડોકરીને જરી જોઈ લેવાના કોડ છે કે તમે અમને સર્વને દૈત્ય કહેનારાઓ અહીં આવીને કેવીક દેવસૃષ્ટિ સરજી શકો છો ! ને તને શું નથી લાગતું, ભાઈ રાજકેદી, કે કેટલીક વાર તમારી આ વેવલી દયાળુતા કરતાં અમારો ઘાતકી વિનોદ વધારે ભીનો હોય છે ?



મૃત્યુની અદબ
95