પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




શું સાચું !

ફાંદાળા ભીલની પોચીપોચી ફાંદમાં અમારા જેલરે લહેરથી પોતાની આંગળી બેસાડી. પછી તો અમારે બાંઠિયો બામણ કારકુન પણ એ ફાંદની જોડે વહાલ કરવા લાગ્યો. પછી નાના-મોટા સહુએ આ સ્પર્શ-સુખનો લહાવો લીધો. મને પણ ઘણું મન થયું કે હું મારા સળિયા લંબાવીને ફાંદાળા ભીલના પેટની સુંવાળી ચરબી જરી ચાખું, પણ મરજો રે મરજો પેલા સુથાર ને પેલા કડિયા, જેણે એંશી વર્ષ અગાઉ મારાં અંગોને પથ્થરોની ભીંસમાં જડી લીધાં છે.

જેલરસા’બ ! કારકુન ભાઈઓ ! તમે ફાંદાળા ભીલની કનેથી આ ખુશાલીની કંઈક ઉજાણી, કંઈક મહેફિલ તો માગો ! એની ‘કૅશ-જ્વેલરી’ના પરબીડિયામાંથી શું કંઈ રોકડ કે સોનુંરૂપું ન નીકળ્યું ? જમાલ ડોસાની પેઠે એને કોઈ દીકરી અથવા દીકરીની દીકરી નહિ હોય ? એવી નાની-શી પુત્રી અથવા ભાણીનું કંઈ ફૂલિયું, લવિંગડું કે કોકરવું, કોઈ કડી, છેલકડી કે કાનની સાદી વાળી, એકેય નાનો દાગીનો એની કને નથી રહી ગયો કે ? ફાંદાળો ભીલ તો સાદાં ચાપાણીમાંથી પણ ગયો !

ક્યાં ગયો ? બહાર જઈને ઊભો રહ્યો. થોડો થંભીને ફરી ચાલતો થયો. ફરીને ઊભો રહે છે. દરવાજા પર પહેરો ભરતા બંદૂકદાર સંત્રીને સંશય પડે છે.

ફાંદાળો ભીલ કંઈ ભયાનક મનસુબા તો નથી કરતો ને ?

સંત્રીના મોંમાંથી મશીનગનના ગોળાની પેઠે તડતડાટ કંઈક ‘હડેટ હોમ ! ગધ્ધા ! ચલ જા ! ગંવાર !’ એવા શબ્દો છૂટે છે. ફાંદાળો ભીલ સમજ્યા વગર આગળ પગલાં માંડે છે. સ્ટેશન પર પોલીસ એને એના


શું સાચું!
99