પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગામની ટિકિટ લઈ સોંપે છે. પણ આ બધી શી ક્રિયા ચાલી રહી છે તેની હજુય કશી ગમ ફાંદાળા ભીલને પડતી નથી.

‘પેલું જ ઠીક નહોતું ?’ ફાંદાળો ભીલ ફરીથી વિચારે છે.

પેલું એટલે ?

એટલે વળી બીજું શું ? પ્રભાતમાં વહેલી હજામત: પછી ચકચકિત સંગીનોથી શોભતી બંદૂકદાર પલટનનું આગમન: પેલી ફૂલશોભન કેડી પર થઈને સહુને રામરામ કરતા ચાલી નીકળવાની યાત્રા: શિવમંદિર જેવા સાફસૂફ કરેલા ફાંસીખાનાને દ્વારે દાખલ થતાં જ માથા ઉપર કાળી કાનટોપીનો અનંત અંધકાર: ને પછી શું થવાનું છે કે શું-શું થઈ રહ્યું છે તેની સુખભરી અજાણમાં ને અજાણમાં ચુપચાપ એક જ ધડાકે ખતમ થઈ લટકી પડવાની એક-બે મિનિટો.

આ શું ઠીક નહોતું ? રોજરોજ, રાત્રિદિવસ, પળેપળે ને શ્વાસેશ્વાસે, સ્વપ્નમાં ને જાગ્રત દશામાં ફાંદાળો ભીલ શું આ ફાંસીની સજા નહોતો ભજવી રહ્યો ! કાળી કાન-ટોપી શું અહોરાત એને કોઈક અદૃશ્ય હાથ નહોતા પહેરાવી રહ્યા ? સૂબેદાર રોજ સવારે આવીને એની સામે તાકી રહેતો ત્યારે શું ફાંદાળો ભીલ સૂબેદારની આંખોમાં દોરડાનાં ગૂંચળાં ને ગૂંચળાં ઉખેળતાં નહોતો જોતો ? કોઈ છીંક-ખોંખારો ખાતું તો શું એને ધડાક કરતું ફાંસીનું પાટિયું પડતું નહોતું લાગતું ? પોતે જ પોતાની લાશને દોરડે લટકતી ને દરવાજે નીકળતી શું નહોતો નિહાળ્યા કરતો ? પોતાના મુર્દાનો કબજો લેવા કોઈ નથી આવવાનું એમ સમજીને એને પોતાને જ શબ લઈ જવા દરવાજે હાજર રહેવું પડશે એવી ચિંતા શું એને નહોતી થઈ ? પોતે એકલો જ પોતાના ખભા પર પોતાના શબને ઉપાડીને સ્મશાન નહોતો શોધતો ? સ્મશાન દૂર હોવાને કારણે શું એણે સ્ટેશન પરની માલગાડીના એન્જિનની ભઠ્ઠીમાં જ શબને નહોતું પેસાડી દીધું ? ને પછી ડ્રાઇવરના આવવાની રાહ જોયા વગર પોતે જ એ સળગેલા એન્જિનને હાંકી નહોતો ચાલી નીકળ્યો ? ને પછી પોતાના શબની રાખની પોટલી બાંધીને શું એ પોતાને ઘેર પોતાની સ્ત્રીને નહોતો સોંપી આવ્યો ?


100
જેલ ઓફિસની બારી