પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

“તો લોકો ભયભીત બની બારણાં બીડશે, નાનાં બાળકો રડશે, હું ખૂન કરવાના ઇરાદાથી જ આવ્યો છું એવું માનશે. હું કોઈ ફાંસી ખાધેલાનું પ્રેત હોઉં એવું કલ્પશે. મને મારીને કાઢશે – પોલીસમાં સોંપશે ! પૂછશે તેના પૂરા જવાબો નહિ આપી શકું તો માનશે કે હું કંઈક છુપાવું છું, ને મારા હાથ બીકના માર્યા સંકોડાશે તો કહેશે કે બતાવ, ક્યાં છુપાવ્યો છે. તેં તારો છૂરો ?

“અરધી રાતનો ભૂખ્યો ને તરસ્યો હું કોઈક ધર્મશાળામાં ભરાઈ બેસીશ તો ? ને ત્યાં મારા પાડોશી મુસાફરો કંઈક જમતા હશે તો ? મારાથી નહિ રહેવાય ને હું કોઈકના રોટલાની ચોરી કરી બેસીશ તો ? ચોરવા જતાં કોઈ બાવોફકીર મને મારવા દોડશે તો ? હું મારા બચાવમાં એની જ છૂરી ઝૂંટવીને એને જખમ કરી બેસીશ તો ?

“તો-તો ફરી પાછી આ કેદ ને ? ફરી પાછું ખૂનનું તહોમતનામું, ફરી પાછી આ ફાંસીની સજા, ફાંસી દેવાના દિન પર્યંતનું પળેપળ કરપીણ કલ્પના-મૃત્યુ. અને હાય ! ફરી પાછા મારી ફાંદમાં આ જેલર તથા આ કારકુનોની આંગળીઓના ગોદા ! અને એ વખતે તો જેલર બીજી જાતની મશ્કરી કરશે. કહેશે કે –

‘તુમ છૂટ ગયા. જાઓ તમારે ઘરકો. તમારી ઓરતકા યાર મર ગયા હે. અબ તો ઓરત પસ્તાયકે’તુમકો લે જાનેકો આઈ હય.’

– અને હું એ વખતે કપડાં બદલાવી મારી ઓરતને મળવા અધીરો-અધીરો બહાર નીકળવા જઈશ, તે ઘડીએ જ જેલરનું તથા કારકુનોનાં ગંભીર મોં ખડખડાટ હસી પડશે. મારાં જેલકપડાં પહેરાવીને મારી ફાંદમાં ફરી આંગળાં પેસાડશે. મને સંભળાવશે કે –

–કલ તુમકો ફાંસી મિલેગી. ફાંસી તુમારી ઓરત બનેગી. વો તુમારે ગલેમેં હાથ ડાલેગી.’

“એ બધાં કરતાં આ શું ખોટું હતું ? મેં શા સારુ ભૂલ કરી ? હું અપીલમાં શીદ ગયો ?”


102
જેલ ઓફિસની બારી